VADODARA : પાણી-મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ-મેલેરિયાએ માથુ ઉંચક્યુ
VADODARA : વડોદરામાં દિવસેને દિવસે પાણી અને મચ્છરન્ય રોગચાળો વકરી કર્યો હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. વિતેલા 24 કલાકમાં ડેન્ગ્યુના 5 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. તો 900 જેટલા દર્દીઓમાં શંકાસ્પદ મેલેરિયાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ કોલેરાના કેસો અટકવાનું નામ નથી લઇ રહ્યા. વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો જે હદે વધી રહ્યો છે, તે જોતા તમાને સાવધાન રહેવાની જરૂર છે.
સમાચાર ચિંતા કરાવે તેવા
વડોદરામાં લાંબા સમયથી એકધારો વરસાદ પડી નથી રહ્યો. છતાં પણ શહેરવાસીઓના સ્વાસ્થ્યની સ્થિતી ખરાબ છે. વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. પાલિકાના હેલ્થ બુલેટીન અનુસાર, વિતેલા 24 કલાકમાં ડેન્ગ્યુના 133 શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને 5 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ચિકગુનિયાના શંકાસ્પદ 16 કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. મેલેરિયાના 900 શંકાસ્પદ કેસોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને 1 પોઝીટીવ કેસ સામે આવ્યો છે. અને કોલોરાના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરવાસીઓ માટે આ સમાચાર ચિંતા કરાવે તેવા છે.
રોગચાળો નાથવામાં સફળતા મળી નથી રહી
શહેરમાં ધીમા પગે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. પાલિકાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી છતાં આ રોગચાળો નાથવામાં સફળતા મળી નથી રહી. જેના કારણે લોકોમાં રોગચાળામાં સપડાવવાનો ભય સતાવી રહ્યો છે.
2 કન્સ્ટ્રક્શન સાઇટને પાલિકા દ્વારા નોટીસ
તો બીજી તરફ પાલિકા દ્વારા કન્ટેનર તપાસ, સોર્સ રીડક્શન, ઘરમાં તપાસ, મચ્છરના ઉત્પત્તિસ્થાનોના નાશ, પોરા ભક્ષક માછલીઓ મુકવી, ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વિતેલા 24 કલાકમાં 2 કન્સ્ટ્રક્શન સાઇટને પાલિકા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ