VADODARA : પાર્ટી પ્લોટમાં લાગેલી આગમાં ફરાસખાનાનો સામાન ખાખ
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા વિસ્તારમાં આવેલા ગુરૂકુલ ચાર રસ્તા પાસેના આદિત્ય રોયલ પાર્ટી પ્લોટમાં ગતરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગમાં પાર્ટી પ્લોટમાં મોટા પ્રમાણમાં રાખવામાં આવેલો ફરાસખાનાનો સામાન બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
જોત જોતામાં આગનું સ્વરૂપ વિકરાળ થઇ ગયું
વડોદરામાં દિવાળી ટાણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. ગતરાત્રે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા આદિત્ય રોયલ પાર્ટી પ્લોટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં જોત જોતામાં આગનું સ્વરૂપ વિકરાળ થઇ ગયું હતું. જેને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ ફટાકડા
સુત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં આગ ઓલવવાની પ્રક્રિયામાં ચાર જેટલા અલગ અલગ ફાયર સ્ટેશનોથી ફાયર ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં પાર્ટી પ્લોટ સંચાલકના મોટા ભાગના ફરાસખાનાના સામાનનું નુકશાન પહોંચ્યું છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યા બાદ હવે નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : શહેરને સુશોભિત રાખતા પાલિકાના ગાર્ડનમાં લાઇટો ગુલ