VADODARA : ગેરકાયદેસર દબાણો પર UP વાળી, પાલિકાનું લશ્કર ત્રાટક્યું
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના BJP ના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમારને બાબર નામના માથાભારેએ ચાકુના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ વડોદરા પાલિકાનું સૌથી મોટી કાર્યવાહી ગતસાંજે સામે આવી છે. જેમાં પાલિકાની ટીમ દ્વારા શહેરના નાગરવાડા, મચ્છીપીઠ અને તાંદલજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. પાલિકાની આ મેગા કાર્યવાહીને યુપી સરકારની સ્ટાઇલ ગણવામાં આવી રહી છે. અને આ પ્રકારની દબાણો દુર કરવાની ઝૂંબેશ શહેરના અનેક વિસ્તારોમાં ચાલુ રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
અધિકારીઓ, દબાણ શાખાની ટીમો, જેસીબી, ડમ્પર સહિત સ્થળ પર
શહેરમાં હત્યાની ઘટના બાદ પોલીસ અને પાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગતરાત્રે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાનું તંત્ર નાગરવાડા, મચ્છીપીઠ અને તાંદલજા વિસ્તારમાં ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવા પહોંચ્યું હતું. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, દબાણ શાખાની ટીમો, જેસીબી, ડમ્પર સહિત સ્થળ પર પહોંચેલા લશ્કરને જોઇને સૌ કોઇ વિચારતા થઇ ગયા હતા. બાદમાં એક પછી એક દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.
21 શેડ, 10 ઓટલા સહિત 9 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો
સમગ્ર કાર્યવાહી અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ટીમો દ્વારા તાંદલજામાં સરકારી જમીન પર 12 હજાર સ્કવેર ફૂટના વેપારીના પાકા બાંધકામો તોડ્યા હતા. જેમાં ગેરેજો, પંચરની દુકાન, મોબાઇલ શોપ અને પોલ્ટ્રી ફાર્મના દબાણો હતા. જે દુર કરવામાં આવતા આશરે રૂ. 6 કરોડની સરકારી જમીન ખુલ્લી થવા પામી છે. તો બીજી તરફ નાગરવાડા અને મચ્છીપીઠમાં કુલ મળીને 21 શેડ, 10 ઓટલા સહિત 9 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ પડી રહેલા 6 ટુ વ્હીલર અને એક કારને સ્થળ પરથી દુર કરવામાં આવ્યા છે.
ફરીથી દબાણો ના થઇ જાય તે માટે પણ તંત્રએ ધ્યાન રાખવું પડશે
પાલિકાની વિવિધ વિસ્તારોમાં દબાણો દુર કરવાની કાર્યવાહીને લોકો યુપી સ્ટાઇલ કાર્યવાહી તરીકે મુલવી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સાથે જ લોકોમાં ગણગણાટ છે કે, દબાણો દુર કરીને ખુલ્લી કરવામાં આવેલી જગ્યા પર ફરીથી દબાણો ના થઇ જાય તે માટે પણ તંત્રએ ધ્યાન રાખવું પડશે. નહીંતર આ કામગીરીનો ખરા અર્થમાં કોઇ મતલબ નહીં રહે.
આ પણ વાંચો -- Vadodara : અસામાજિક તત્વોનો વધતો આતંક! પોલીસ કમિશનરે કહી આ વાત!