VADODARA : તહેવારના દિવસોમાં સ્વચ્છ પાણીથી વંચિત લોકોમાં રોષ
VADODARA : દેશભરમાં દિપાવલી (DIWALI - 2024) પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વડોદરા (VADODARA) માં તહેવારના દિવસોમાં પણ વોર્ડ નં- 12 અંતર્ગત આવતી કેટલીક સોસાયટીઓમાં પાલિકા દ્વારા ડહોળું પાણી (WATER CONTAMINATION ISSUE) આપવામાં આવી રહ્યું છે. જેને પગલે સપરમા દિવસે પણ લોકોએ બીજા બધા કામો છોડીને પાણીની વ્યવસ્થા કરવા માટે દોટ મુકવી પડી છે. જેના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આખુ વર્ષ શહેરના કોઇને કોઇ વિસ્તારમાં પાણી, રોડ-રસ્તા તથા અન્ય પાયાની જરૂરિયાતોમાં તંત્રની લાપરવાહીની બુમો ઉઠતી હોય છે.
સવારથી જ ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી
વડોદરામાં દિપાવલી પર્વ સમયે પણ કેટલાક પરિવારો પાયાની સુવિધા માટે મથામણ કરી રહ્યા છે. સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતા શહેરમાં લોકો સુધી પાણી, રોડ-રસ્તાની સુવિધાઓ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. અને આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે આજે શહેરના વહીવટી વોર્ડ નં - 12 માં આવતી કેટલીક સોસાયટીમાં સવારથી જ ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે તહેવાર ટાણે તમામ કામ બાજુ પર મુકીને લોકોએ હવે પાણીની વ્યવસ્થામાં જોતરાવવું પડી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સમસ્યાનું કોઇ નક્કર સમાધાન આવી શક્યું નથી
તો બીજી તરફ નીલ ટેરેસ સોસાયટીના રહીશનું કહેવું છે કે, ગઇ કાલે પણ આ રીતે ડહોળું પાણી આવ્યું હતું. અને આજે પણ આ સિલસિલો જારી રહ્યો છે. પાલિકામાં રજુઆત કરવા છતાં તહેવારના સમયે સમસ્યાનું કોઇ નક્કર સમાધાન આવી શક્યું નથી. જેથી રહીશોમાં પાલિકા તંત્ર સામે રોષ છે. સેંકડો પરિવારો આ સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : બર્થડેની ઉજવણીમાં સીનસપાટા કરનાર યુવકે પોલીસ મથકમાં કાન પકડ્યા