VADODARA : શિક્ષણ સમિતિના બિનશૈક્ષણિક કર્મીઓ મોડી સાંજ સુધી કચેરીએ બેસી રહ્યા
VADODARA : વડોદરા (VADODARA) ની શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ શિક્ષક અને પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના સનસનીખેજ આરોપ મુકતા સમિતિની શાળાના જ એક શિક્ષક દ્વારા આરટીઆઇ હેઠળ અગાઉ માહિતી માંગી હતી. જો કે, માહિતી નહીં મળતા મામલો છેક માહિતી કમિશનરની કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને આ મામલાની સુનવણીમાં કોર્ટે શિક્ષણ સમિતિના સત્તાધીશોને બરાબરના ઝાટક્યા હતા. આ મામલે શિક્ષકને આપવાની માહિતી તૈયાર ના હોવાથી શિક્ષણ સમિતિના રાવપુરા ઓફીસે બિનશૈક્ષણિક કર્મચારીઓને મોડી રાત સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. જો કે, આ તકે મીડિયા પહોંચી જતા શાસના અધિકારી દોડી આવ્યા હતા. અને તમામને સમયસીમામાં કામગીરી પૂર્ણ કરવાનું જણાવીને જવા દેવામાં આવ્યા હતા.
આ કૃત્ય દંડ અને સજાને પાત્ર છે
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, આરટીઆઇ અંતર્ગત માહિતી માંગનાર શિક્ષક દ્વારા વર્ષ 2022 માં શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અને તે સમયે પણ એવોર્ડ માટેના ચયનમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રજુઆતો કરી હતી. પરંતુ ત્યાર બાદ કોઇ નક્કર પરિણામ ના આવતા આખરે શિક્ષકે આરટીઆઇ અંતર્ગત માહિતી માંગી હતી. બીજી તરફ શિક્ષણ સમિતિ દ્વારા જાણકારી આપવામાં ના આવતા આખરે મામલો માહિતી કમિશનરની કોર્ટમાં પહોંચ્યો હતો. 3 સપ્ટેમ્બરે કોર્ટમાં મામલાની સુનવણી દરમિયાન કોર્ટો શાસનાધિકારીને બરાબરના ઝાટક્યા હતા. સાથે જ જણાવ્યું કે, આ કૃત્ય દંડ અને સજાને પાત્ર છે. તે બાદ કોર્ટે તમામ માહિતી પૂરી પાડવા માટે જણાવ્યું હતું.
માહિતી એકત્ર કરવામાં મુશ્કેલી પડી રહી છે
આરટીઆઇ અંતર્ગત માંગવામાં આવેલી માહિતી તૈયાર ના હોવાના કારણે ગતરાત્રે શિક્ષણ સમિતિની રાવપુરા સ્થિત કચેરીએ 6 જેટલા કર્મચારીઓ ઓફીસના કામનો સમય પૂર્ણ થઇ ગયા બાદ પણ બેસાડી રાખવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે, આ મામલાને ત્રણ વર્ષ વિતી ગયા છે. જેથી માહિતી એકત્ર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઘટના અંગે જાણ થતા જ મીડિયા પહોંચ્યું હતું. ત્યાર બાદ શાસનાધિકારી પણ દોડી આવ્યા હતા. અને આજે બપોરે બે વાગ્યા સુધીમાં આ માહિતી પૂરી પાડવાની શરતે તમામને જવા દેવામાં આવ્યા હતા.
એક અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ
અંતમાં શાસનાધિકારીએ સ્વબચાવમાં કહ્યું કે, એક અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ છે. આગામી સમયમાં રજાઓ આવતી હોવાથી જલ્દી જવાબ લેવા માટે કઠોર વલણ અપનાવવાની જરૂર પડી હતી.
આ પણ વાંચો -- VADODARA : રાવપુરામાં જાહેર માર્ગ પર આવેલી મેડિકલ શોપ ભડકે બળી