VADODARA : દીપડાની અવર-જવર પર નજર રાખવા CCTV મુકાયા
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) નું આજવા ખાતે ઝૂ (AJWA SAFARI PARK - VADODARA) આવેલું છે. તાજેતરમાં આ ઝૂની આસપાસ દીપડા (LEOPARD) ની હાજરી નોંધાઇ હતી. અને દિપડા દ્વારા અન્ય પ્રાણીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. જેથી દીપડાની અવર-જવર પર નજર રાખવા માટે રૂ. 11 લાખથી વધુના ખર્ચે સીસીટીવી મુકવામાં આવ્યા છે. અને સમગ્ર સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.
પ્રાથમિક સંકેતો મળતા તંત્ર એક્શનમાં આવ્યું
વડોદરા પાલિકાનું આજવા ખાતે સફારી પાર્ક આવેલું છે. તેમાં અગાઉ દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા બે હરણ અને એક કાળિયારનું મૃત્યું થયું હતું. જેથી વન વિભાગ દ્વારા તેના કારણો શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ પ્રાણીઓ પર હુમલો દીપડાએ કર્યો હોવાના પ્રાથમિક સંકેતો મળતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને દીપડાની અવર-જવર પર નજર રાખવા માટે સીસીટીવી મુકવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જે બાદ પાલિકા દ્વારા તેને મંજુરી આપવામાં આવતા તુરંત તેને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ પાછળ રૂ. 11 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઘાસ અને ઝાડીઓને પણ દુર કરવામાં આવી
આ સાથે પાલિકા તંત્ર દ્વારા આજવા સફારી પાર્કમાં રાખવામાં આવેલા પ્રાણીઓના પિંજરા પાસે ઉગી નીકળેલું ઘાસ અને ઝાડીઓને પણ દુર કરવામાં આવી છે. આ પાછળનું કારણ તેની આડમાં દીપડો સંતાઇને કોઇને નુકશાન ના પહોંચાડે તેમ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ સાથે જ દીપડાને પિંજરે પુરવા માટે વ્યુહાત્મક જગ્યાએ પિંજરા પણ મુકવામાં આવનાર છે.
ટપકાવાળા હરણ, કાળિયાર, હોગ ડિયર, ચિંકારા સહિતના પ્રાણીઓ છે
દિપડો સરળતાથી હાથમાં આવે તેવું પ્રાણી નથી. જેથી તેને પકડવા માટે ભારે મથવું પડશે તે નક્કી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજવા સફારી પાર્કમાં ટપકાવાળા હરણ, કાળિયાર, હોગ ડિયર, ચિંકારા સહિતના પ્રાણીઓ છે. સીસીટીવી લગાડવાથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની તંત્રની પ્રતિબદ્ધતા છતી થવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : મધરાત્રે 7 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો