VADODARA : 140 થી વધુ ગુનામાં સંડોવાયેલા તબિબ સહિત ત્રણને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો અનડીટેક્ટેડ ગુનાઓ શોધવા માટે સીસીટીવી અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન શહેરમાં અગાઉ વાહન ચોરીની ઘટનાનું પગેરૂં અમદાવાદના બાવળા ખાતે રહેતા અને વાહનચોરીમાં અગાઉ પકડાયેલા હરેશભાઇ દુલાભાઇ માણીયા સુધી પહોંચ્યું હતું. તેને શંકાના દાયરામાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી હતી. તેવામાં તે સમા તલાવડી રોડ ખાતે ઇકો કાર લઇને આવનાર હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને મળી હતી. જેથી ટીમે વોચ ગોઠવી હતી. અને તેને દબોચી લીધો હતો.
કારની માલિકી તેઓ સાબિત કરી શક્યા ન્હતા
કાર સાથે હરેશભાઇ માણીયા પાસેથી રૂ. 25 હજાર અને મોબાઇલ મળી આવ્યા હતા. કારની માલિકી તેઓ સાબિત કરી શક્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ કડકાઇ દાખવતા આરોપી ભાંગી પડ્યો હતો. અને જણાવ્યું કે, તેના ભાઇ સાથે તેણે સુરસાગર ખાતેથી ચોરી કરેલી કારને સમા કેનાલ રોડ પર મુકી રાખી હતી. આ ચોરનું વાહન રાજકોટ રહેતા તાહેર અનવરભાઇ વોરાને આપતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત છ મહિના પહેલા કરેલી ચોરી અંગે પણ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં વડોદરાના રાવપુરા પોલીસ મથકના - 02 અને કારેલીબાગ પોલીસ મથકના - 01 મળીને ત્રણ વાહનચોરીના ગુના ઉકેલાયા હતા.
ચોરીની ગાડીઓના સ્પેરપાર્ટસને ભંગારમાં વેચી મારતા
ઉપરોક્ત કાર્યવાહીમાં હરેશભાઇ દુલાભાઇ માણીયા (રહે. સહજાનંદ રેસીડેન્સી, બાવળા, અમદાવાદ), અરવિંરભાઇ દુલાભાઇ માણીયા (રહે. નવજીવન પાર્ક, રેલવે સ્ટેશનની સામે, બાવળા, અમદાવાદ) અને તાહેર અનવરહુસૈન (રહે. સમ્સ બિલ્ડીંગ, બુરહાની પાર્ક, રાજકોટ) ની ધરપકડ કરવામાં આવી છે. તમામ પાસેથી રૂ. 7 લાખનો ચોરીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. હરેશભાઇ દુલાભાઇ માણીયા અને અરવિંરભાઇ દુલાભાઇ માણીયા વિતેલા 10 વર્ષથી વાહનચોરીમાં સંકડાયેલા છે. તેઓ ચોરીની ગાડીઓના સ્પેરપાર્ટસને ભંગારમાં વેચી મારતા હતા. અગાઉ તેઓ 140 થી વધુ ગુનાઓમાં પકડાયેલા હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી છે. આ ઉપરાંત હરેશ માણીયા અગાઉ પત્નીને ત્રાસ, નશાકારક સીરપન સંબંધે એનડીપીએસના ગુનામાં પણ પકડાયેલ છે.
આરોપીઓનો ઇતિહાસ
હરેશભાઇ દુલાભાઇ માણીયાએ બીઇએમએસ (યુનાની) નો અભ્યાસ કર્યો છે. તેણે બાવળામાં શ્રીજી ક્લિનીક નામથી દવાખાનું શરૂ કર્યું હતું. પરંતુ પોલીસે ગુનો નોંધતા તેણે તે બંધ કરીને વાહનચોરી શરૂ કરી દીધી હતી. વર્ષ 2014 થી તે વાહનચોરી કરી રહ્યો છે. અરવિંરભાઇ દુલાભાઇ માણીયા પહેલા એમ્બ્યુલન્સ ચલાવતો હતો. બાદમાં તે ભાઇ જોડે મળીને વાહનચોરી કરવા લાગ્યો હતો. તાહેર અનવર હુસૈન રાજકોટમાં સ્ક્રેપનો ધંધો કરતો હતો. વર્ષ 2013 માં તે હરેશ માણીયાના સંપર્કમાં આવ્યો હતો. અને તેમની સાથે ગુનાહિતી પ્રવૃત્તિમાં જોડાયો હતો.
આ પણ વાંચો --- VADODARA : હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 93 સરકારી કર્મચારીઓ દંડાયા