VADODARA : SSG હોસ્પિટલમાં છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દુર કરાઇ
VADODARA : સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગે એક વિલક્ષણ સર્જરી દ્વારા છ વર્ષની બાળકીના પેટમાંથી 55 સેન્ટિમીટર લાંબો વાળની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી. બાળકી આંતરડાના સ્તર સુધી પહોંચેલા વાળની ગાંઠના કારણે અસહ્ય પીડા અને ઉલટીઓનો ભોગ બની હતી. ડોક્ટરોની ચુસ્ત કામગીરી અને સમયસર લેવામાં આવેલી તબીબી કાર્યવાહીથી બાળકી હવે ધીમે ધીમે આરોગ્યલાભ લઈ રહી છે. (SSG HOSPITAL REMOVE HAIR TUMOR FROM 6 YEAR OLD GIRL CHILD, RARE SURGERY - VADODARA)
વાળની ગાંઠ આંતરડા સુધી પહોંચી ગઈ
ઉલ્લેખનીય છે કે આ બાળકી ખાનપુર ગામના ખેડૂત દંપતી રાકેશભાઈ અને મીનાબેન નિનામાની પુત્રી છે. તેને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવો અને વારંવાર ઉલટી થતી હતી. બાળકીના માતા-પિતાએ એસએસજી હોસ્પિટલનો સંપર્ક કર્યો, જ્યાં તબીબોએ સીટીસ્કેન દ્વારા વાળની ગાંઠ આંતરડા સુધી પહોંચી ગઈ હોવાનું જણાયું અને તાત્કાલિક પગલા રૂપે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી શનિવારે સર્જરી કરવામાં આવી.
બે કલાક સુધી આ સર્જરી ચાલી
આ જટિલ ઓપરેશનમાં સર્જરી વિભાગના ડૉ. આદીશ જૈન (એસોસિયેટ પ્રોફેસર), ડૉ. સંદીપ રાવ (એસોસિયેટ પ્રોફેસર), ડૉ. અશ્વિન કનકોટિયા (સહાયક પ્રોફેસર), ડૉ. હાર્દિક પરમાર (સહાયક પ્રોફેસર) તેમજ એનેસ્થેસિયાની ટીમે કાર્યરત હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ સફળ સર્જરીમાં બાળકીના પેટમાંથી 55 સેન્ટિમીટર લાંબા વાળની ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી.
દર્દીને લાંબા સમયથી પોતાના વાળ ચાવવાની આદત હતી
ડૉ. સંદીપ રાવે માહિતી આપી હતી કે, "આ કેસ માનસિક સ્થિતિને લઈને ઊભો થયો છે, જેને ટ્રાઇકોબેઝોર (Tricobazor) તરીકે ઓળખવામાં આવે છે. દર્દીને લાંબા સમયથી પોતાના વાળ ચાવવાની આદત હતી, જેના કારણે વાળ પેટમાં એકઠા થતાં ગયા અને અંતે આંતરડાની દિવાલો સાથે ચોંટી ગયા."
સર્જરી વિભાગ જટિલ કેસો માટે તૈયાર
જોકે, ખાનગી હોસ્પિટલોમાં આ ઓપરેશન લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચદાયક હોઈ શકે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમામ સારવાર મફતમાં આપવામાં આવી. ડૉ. રાવે વધુમાં ઉમેર્યું કે, "અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસએસજીનો સર્જરી વિભાગ આ પ્રકારના જટિલ કેસો માટે તૈયાર છે અને જરૂરિયાતમંદો માટે આરોગ્યસેવાને વધુ પહોંચરૂપ બનાવે છે."
માથામાંથી વાળ ઓછા થતા અણસાર મળ્યો કે કંઈક ગડબડ છે
બાળકી હાલમાં હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ છે અને આરોગ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. બાળકીના પિતા રાકેશ નિનામાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું, "અમે અમારી પુત્રીના માથામાંથી વાળ ધીરે ધીરે ઓછા થતા અણસાર મળ્યો કે કંઈક ગડબડ છે. ખાનગી હોસ્પિટલના ખર્ચને કારણે અમે સરકારની હોસ્પિટલ પર ભરોસો મૂક્યો અને અહીંની ડોક્ટરોની ટીમે અમારું જીવન બદલ્યું છે. અમે આમના દિલથી આભારી છીએ." આ સમગ્ર ઘટનાએ ‘ટ્રાઇકોબેઝોર’ જેવી દુર્લભ તબીબી સ્થિતિ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે અને સાથે સાથે સરકારી આરોગ્યસંસ્થાઓના મહત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું છે.
આ પણ વાંચો --- Rashifal 16 April 2025: આ રાશિઓને આજે શુભ યોગથી થશે લાભ , આજે જ જાણો તમારું રાશિફળ