VADODARA : પૈસા લઇને બોગસ અનુભવ સર્ટીફીકેટ બનાવતી દુકાન ઝડપાઇ
VADODARA : વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (VADODARA SOG) દ્વારા બાતમીના આધારે ગોરવા વિસ્તારમાંથી ઝેરોક્ષની દુકાનમાંથી પૈસા લઇને બોગસ અનુભવ સર્ટીફીકેટ બનાવનારની ધરપકડ કરી છે. શખ્સ દ્વારા વધુ પૈસા કમાવવાની લાલચે આ રીતે જરૂરીયાત પ્રમાણે બોગસ સર્ટીફીકેટ તૈયાર કરીને આપતો હતો. શખ્સ પાસેથી અલગ અલગ 21 જેટલી કંપનીઓના લોગોવાળા લેટર પેડ મળી આવ્યા છે.
3 સર્ટીફીકેટ બનાવી આપ્યા
વડોદરા એસઓજીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ગોરવા બીઆઇડીસી રોડ પર ગોલ્ડન પ્રિન્ટર્સ નામની દુકાનનો સંચાલક નયન ભટ્ટ જુદી જુદી કંપનીઓના ખોટા અનુભવ સર્ટીફીકેટ બનાવી આપે છે. ત્યાર બાદ એસઓજી દ્વારા નકલી ગ્રાહક તૈયાર કરીને દુકાને મોકલવામાં આવ્યો હતો. તેણે દુકાનમાં જઇને કહ્યું કે, મારે વિદેશમાં પાઇપ ફીટરનું કામ કરવા જવાનું છે. જેથી મને કોઇ પાઇપ ફીટરની કંપનીમાં નોકરી કરીને અનુભવ મેળવ્યો હોય તેવા બે-ત્રણ સર્ટીફીકેટ જોઇએ છે. બાદમાં દુકાનદારે ડમી ગ્રાહકને કોમ્પ્યુટરમાંથી વર્ષ 2020 - 2024 સુધીના પાંચ વર્ષના પાઇપ ફીટરના અનુભવના જુદી જુદી કંપનીના 3 સર્ટીફીકેટ બનાવી આપ્યા હતા. ડમી ગ્રાહકે ઇશારો કરતા જ એસઓજીની ટીમે દુકાન પર રેડ કરી હતી.
21 કંપનીઓના કોરા લેટરપેડ મળી આવ્યા
દુકાનદાર કોઇ ઓથોરાઇઝ્ડ પર્સન નહી હોવા છતાં તેણે ખાનગી કંપનીની જાણ બહાર પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી ઝેરોક્ષની દુકાનમાં આવતા ગ્રાહકોના સર્ટીફીકેટની પીડીએફ સેવ કરી રાખી હતી. વર્ડ ફાઇલ કન્વર્ટરમાં તેમાં સુધારા-વધારા કરીને કંપનીના ઓથોરાઇઝ્ડ સિક્કા પર સહી કરી પોતે ખોટા અનુભવ સર્ટીફીકેટ બનાવી આપતો હતો. આરોપી પાસેથી 21 જેટલી જુદી જુદી કંપનીઓના નામ, લોગોવાળા કોરા લેટરપેડ મળી આવ્યા હતા.
ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ
ઉપરોક્ત કાર્યવાહીમાં એસઓજીએ જુદી જુદી કંપનીના નામ, લોગો વાળા લેટરપેડ, કોમ્પ્યુટર સેટ, કલર પ્રિન્ટર, મળી રૂ. 21 હજારથી વધુનો સામાન જપ્ત કર્યો છે. બાદમાં આ મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : નવી કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું, ફાઇલોના પોટલા લોબીમાં મુકાયા