VADODARA : શ્રી કૃષ્ણ રેસ્ટોરેન્ટની છોલે ચાટમાંથી નિકળી જીવતી ઇયળ
VADODARA : વડોદરા (VADODARA) ના જુના પાદરા રોડ પર જીઇબી કોલોનીની પાછળના ભાગે આવેલી શ્રી કૃષ્ણ રેસ્ટોરેન્ટ (Shree Krishna Restaurant) ની છોલે ચાટમાંથી જીવતી ઇયળ નિકળવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્રો સાથે ગયેલા તમામને ખરાબ અનુભવ થયો હતો. વડોદરામાં હજી પણ રેસ્ટોરેન્ટ / નાશ્તા હાઉસમાં ગ્રાહકોની સુરક્ષાને લઇને ખાસ ધ્યાન આપવામાં નહી આવતું હોવાની વાત આ ઘટના પરથી ફલિત થવા પામે છે. આ મામલે યોગ્ય તપાસ કરીને ફરી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્રએ પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ રેસ્ટોરેન્ટની મુખ્ય શાખા વર્ષ 1956 થી ચાલતી હોવાનો દાવો સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે.
અહિંયા મળતી ફૂડ આઇટમના ભાવ અન્ય કરતા વધારે ઉંચા છે
વડોદરામાં અવાર નવાર રેસ્ટોરેન્ટમાંથી જીવાડા નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર કાર્યવાહી કરે છે. પરંતુ દાખલો બેસાડી તેવી કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ રહેતા આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આજે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. શહેરના જુના પાદરા રોડ પર આવેલી જીઇબી કોલોનીના પાછળના ભાગે શ્રી કૃષ્ણ રેસ્ટોરેન્ટ આવેલી છે. નાશ્તા માટે આ રેસ્ટોરેન્ટ ખુબ જાણીતી છે. અને અહિંયા મળતી ફૂડ આઇટમના ભાવ અન્ય કરતા વધારે ઉંચા છે.
ખાવા જતા જ તેમાં કંઇ સળવળતું હોય તેમ જોવા મળ્યું
આજે સવારે અહિંયા મિત્રો સાથે પહોંચેલા ગ્રાહકે છોલે ચાટનો ઓર્ડર કર્યો હતો. ગ્રાહકને પીરસવામાં આવેલા છોલ ચાટની ડીશમાંથી ચમચી ભરીને ખાવા જતા જ તેમાં કંઇ સળવળતું હોય તેમ જોવા મળ્યું હતું. જેથી ગ્રાહકે ચમચીને મોઢાની જગ્યાએ આંખની નજીક લઇ જઇને સળવળાટ પારખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાણ્યું કે, જીવતી ઇયળ ફરી રહી છે. ત્યાર બાદ રેસ્ટોરેન્ટ સંચાલકને જાણ કરીને તેઓ ત્યાંથી ભૂખ્યા પેટે જ રવાના થઇ ગયા હતા. ગ્રાહકે આ વીડિયો લોકજાગૃતિ માટે સોશિય મીડિયા થકી જારી કર્યો છે. અને માંગ કરી છે કે, આ મામલે પાલિકા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા જોઇએ. જેથી પૈસા આપીને જમવા બહાર જતા લોકોના સ્વાસ્થ્ય સાથે કોઇ ચેડાં ના થાય.
આ પણ વાંચો -- VADODARA : રોકાણના નામે ઠગાઇની તપાસમાં સાયબર ક્રાઇમ કરોડોના બેંક વ્યવહાર સુધી પહોંચી