VADODARA : બસ ડેપો પર ભીડનો લાભ લઇ મોબાઇલ સેરવતો ગઠિયો ઝબ્બે
VADODARA : હાલ દિવાળી (DIWALI - 2024) નો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અન્ય શહેર-જિલ્લા સુધી મુસાફરી કરવા માટે મુસાફરોની એસટી ડેપો (VADODARA ST BUS DEPOT) પર ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં આ ભીડનો લાભ લઇને લોકોના મોંઘાદાટ ફોન સેરવતા ગઠિયાને દબોચી લેવામાં આવ્યો છે. સયાજીગંજ પોલીસ (SAYAJIGANJ POLICE STATION) ના જવાનને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે.
એક ઇસમ ચોરેલો આઇફોન વેચવાની ફીરાકમાં છે
વડોદરામાં દિવાળી પર્વને ધ્યાને રાખીને ખાસ કરીને લોકોની અવર-જવર વધારે હોય તેવા વિસ્તારો રેલવે સ્ટેશન અને બસ ડેપોમાં પોલીસે સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું છે. જેને હવે સફળતા મળી રહી હોય તેવો કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. તાજેતરમાં સયાજીગંજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી કે, એક્સપરીમેન્ટર સ્કુલના કમ્પાઉન્ડની બહાર એક ઇસમ ચોરેલો આઇફોન વેચવાની ફીરાકમાં છે. તે બાદ પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચીને શખ્સની અટકાયત કરી હતી.
પોલીસે કડકાઇ દાખવતા તે ભાંગી પડ્યો
પોલીસે ફીરોજ ઉર્ફે પપ્પુ જફરખાન પઠાણ (રહે. સયાજીપાર્ક ઝુંપડપટ્ટી, આજવા રોડ, વડોદરા) ની અટકાયત કરી તેની આકરી પુછપરછ શરૂ કરી હતી. તે ફોનની માલિતી પૂરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બાદમાં પોલીસે કડકાઇ દાખવતા તે ભાંગી પડ્યો હતો. અને આ મોબાઇલ તેણે ચોરી કર્યો હોવાનું કબુલ્યું હતું. તેણે જણાવ્યું કે, 26, ઓક્ટોબરના રોજ તેણે આ ફોન વડોદરાના એસટી ડેપો પરથી બસમાં ચઢતા મુસાફરના પેન્ટના ખીસ્સામાંથી ચોરી કર્યો હતો.
પોલીસે આરોપી પાસેથી આઇફોન - 15 કબ્જે કર્યો
બાદમાં તપાસ કરતા ફોનચોરી બાબતે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ભીડનો લાભ લઇને મોબાઇલ સેરવતા ગઠિયાની અટકાયત કરીને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે આરોપી પાસેથી આઇફોન - 15 કબ્જે કર્યો છે. જેની કિંમત રૂ. 50 હજાર આંકવામાં આવી છે. આમ, તહેવાર ટાણે પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું આ કિસ્સા પરથી ફલિત થવા પામે છે.
આ પણ વાંચો -- VADODARA : ડે. મેયરની ઓફીસ પાસે ભૂવો પડ્યો