VADODARA : સાવલી પંથકમાં દીપડાની ટોળકીની દહેશત
VADODARA : વડોદરા જિલ્લામાં આવતા સાવલીના આપસાપના ગામોમાં દિપડાની ભારે દહેશત છે. દિપડાની હાજરીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એટલું જ નહીં તાજેતરમાં પંથકમાં દિપડાએ નીલગાયનું મારણ કર્યું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ મામલે ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્વરિત પિંજરા મુકીને દિપડાને પકડી પાડવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. (LEOPARD PRESENCE FOUND NEAR SAVLI VILLAGE - VADODARA DISTRICT)
ફોરેસ્ટ વિભાગે માત્ર પિંજરૂ મુકીને સંતોષ માણ્યો
વડોદરા જિલ્લામાં મોટો વન વિસ્તાર આવતો હોવાના કારણે વન્ય જીવો માનવ વસવાટ નજીક આવવાની ઘટનાઓ બનતી હોય છે. આવું જ કંઇક સાવલીના આંતરિયાળ ગામોમાં સામે આવ્યું છે. સાવલીના કમલપુરા પંથકમાં ચાર દિપડા સાથે દેખાયા હોવાની વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપી છે. આ દહેશતના માહોલ વચ્ચે દિપડાએ નીલ ગાયનું મારણ કર્યું હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું છે. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કર્યા બાદ પણ તેમના દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવી હોવાના આરોપ મુકવામાં આવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે માત્ર પિંજરૂ મુકીને સંતોષ માણ્યો હોવાનો પંથકમાં ગણગણાટ છે.
સાંજના સમયે ખેતરમાં જવા કોઇ માણસ તૈયાર થતા નથી
સ્થાનિક પશુપાલક મહિલા હનીફા બેને કહ્યું કે, મેવલી, સદાપુરા અને રામપુરામાં રાત પડ્યે ચાર દિપડા નીકળે છે. અને હેરાન કરે છે, એટલે સમી સાંજ બાદ કોઇ જતું નથી. ખેતરમાં પાણી પણ વાળવા જતા નથી. શાંતિલાલ વસાવાએ કહ્યું કે, રામપુરા તથા આસપાસમાં તમામ ગામોમાં દિપડા હેરામ કરે છે. દિવસમાં ઢોર લઇને ખેતરમાં જઇ શકાતું નથી. બાજુના ગામમાં દિપડાએ નીલગાયને ફાડી ખાધી છે. જે તે સમયે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ ખાતાને કહેવું કે, આ દિપડાને પકડવા માટેની કામગીરી ઝડપી કરવામાં આવે. સાંજના સમયે ખેતરમાં જવા કોઇ માણસ તૈયાર થતા નથી. દિપડા અને અન્ય જંગલી જાવનર મોટા પ્રમાણમાં હોવાની દહેશત છે. ફોરેસ્ટ વિભાગને જાણ કરીએ તો તેઓ પીંજરા મુકી દે છે, બાદમાં જોવા પણ તૈયાર નથી.
આ પણ વાંચો --- VADODARA : મેયર VS મ્યુનિ. કમિ., ટીમ વડોદરામાં મોટી તિરાડના એંધાણ