VADODARA : સડક સુરક્ષાના નિયમોનું સ્વૈચ્છિક પાલન જરૂરી બન્યું
VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય વિસ્તારમાં વિતેલા 24 કલાકમાં ત્રણ વાહન અકસ્માતની ઘટનાઓ નોંધાઇ છે. જે જોતા લાગે છે કે, તમામે સડક સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એક માત્ર પોલીસ પ્રસાશનના પ્રયાસોથી અકસ્માતોની ઘટના પર જોઇએ તેવો કાબુ લાવવો મુશ્કેલ છે. જો લોકો તેમાં જોડાય તો આ કાર્ય પાર પાડવું સૌથી સરળ બની જાય તેમ છે. અકસ્માતની ત્રણેય ઘટનામાં ત્રણના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જેની વિગતો નીચે અનુસાર છે.
લોખંડની બે મોટી ભારદારી પ્લેટ ડ્રાઇવર કેબીન તરફ આવી ગઇ
વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી નોરત રામકરણ મીણા (ઉં. 43) (રહે. ઉગનખેડા, કેકડી, અજમેર - રાજસ્થાન) સુરતથી વડોદરા નેશનલ હાઇવે પર ટ્રક લઇને જતો હતો. દરમિયાન પોર ગામ પાસે આવેલા જુના બ્રિજ પર કરજણ તરફથી ગફલતભરી રીતે હંકારીને લાવતા આગળ ચાલતા ટ્રકમાં ઘુસાડી દીધી હતી. જેથી ટ્રકના પાછળની બોડીના ભાગે ભરેલા લોખંડની બે મોટી ભારદારી પ્લેટ ડ્રાઇવર કેબીન તરફ આવી ગઇ હતી. જેથી ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે ફરિયાદી મોહંમદહકીમ મોહંમદમુસ્તકીમ ખાન (રહે. રામપુર્ના તાલુકો, ઉતરવલા, ઉત્તરપ્રદેશ) દ્વારા મૃતક નોરત રામકરણ મીણા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા પુરૂષને ટક્કર મારી
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદી ભરતકુમાર રમેશચંદ્ર પુરોહિત (રહે. ભરથાણા, કરજણ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઇ અને ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા પુરૂષ (આશરે ઉં. 40) ને ટક્કર મારી હતી. જેમાં તેને માથા અને હાથ તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં શખ્સને કરજણ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સામેથી આવતી અજાણી રીક્ષા જોડે અથાડી દીધી
કરજણ પોલીસ મથકમાં જુનેદભાઇ ઉસ્માનભાઇ મલેક (રહે. કણભા, મસ્જીદ ફળિયુ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આ મામલે આરોપી અને મૃતક કલ્પેશભઆઇ કાંતીભાઇ વસાવા (રહે. ચોરભુજ, કરજણ, વડોદરા) પોતાની બાઇક લઇને ઉમજથી કરજણ જઇ રહ્યા હતા. દરમિયાન કુરાઇ ગામના બસ સ્ટેન્ડથી આશરે 200 મીટર દુર રોડ પર ફરિયાદીની બાઇક સાથે અથાડી દીધી હતી. ત્યાર બાદ બાઇકને સામેથી આવતી અજાણી રીક્ષા જોડે અથાડી દીધી હતી. જેથી ફરિયાદી તથા તેના મિત્રને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બે કેસમાં સજા જાહેર