VADODARA : અલકાપુરીના વૈભવી મકાનમાંથી 2 ડઝનથી વધુ કાચબાનું રેસ્ક્યૂ
VADODARA : વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી વૈભવી મકાનમાંથી બે ડઝનથી વધુ પ્રતિબંધિત કાચબાઓને જપ્ત કરવામાં આવ્યા (PROHIBITED TURTLE RESCUE FROM HOUSE - VADODARA) છે. જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા બાતમીના આધારે દરોડો પાડીને આ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ કાચબાઓનું રેસ્ક્યૂ કરીને તેને વન વિભાગને સુપરત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ એનજીઓના વોલંટીયર દ્વારા કરવામાં આવી છે.
ચોક્કસ બાતમી મળતા વોલંટીયર પહોંચ્યા
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સીએચ જ્વેલર્સની બાજુમાં આવેલા એક બંગ્લામાં પ્રતિબંધિત કાચબા મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા ગુજરાત પ્રાણી કૃરતા નિવારણ સંસ્થાના વોલંટીયર તુરંત ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઇને તપાસ કરતા માલિક દ્વારા આ વાતનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં વોલંટીયરે આ અંગે વન વિભાગને જાણ કરીને પોતે ઘર બહાર જ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
24 જેટલા સ્ટાર ટર્ટલ અને ત્રણ મોટા કાચબા મળી આવ્યા
જે બાદ વન વિભાગના કર્મચારી સ્થળ પર પહોંચતા ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં 24 જેટલા સ્ટાર ટર્ટલ અને ત્રણ મોટા કાચબા મળી આવ્યા હતા. આમ કુલ 27 જેટલા કાચબા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કાચબા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અંતર્ગત સમાવવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં કાચબા મળ્યા હોવાની આ વર્ષની પહેલી ઘટના મનાઇ રહી છે. તપાસ બાદ કાચબાને સલામત રીતે વન વિભાગને સુપરત કરવામાં આવ્યા છે.
તો ભવિષ્યમાં કોઇ પણ આવું કૃત્ય કરતા પહેલા વિચારશે
આ ઘટનામાં બેદરકાર મકાન માલિક સામે દાખલારૂપ કાર્યવાહી કરતા ફરિયાદ નોંધવાની માંગ એનજીઓના વોરંટીયર દ્વારા કરવામાં આવી છે. જો તેમ કરવામાં આવે તો ભવિષ્યમાં કોઇ પણ આવું કૃત્ય કરતા પહેલા વિચારશે, હવે આ મામલે વધુ કાર્યવાહી અંતર્ગત શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : કારના શોરૂમની દિવાલમાં ફીટ કરેલા વજનદાર લોકરની ચોરી