VADODARA : પોલીસ-પાલિકાના સંયુક્ત દરોડામાં 100 કિલોથી વધુનુ શંકાસ્પદ ઘી ઝડપાયું
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં પાલિકા અને પોલીસની ટીમો દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરોડામાં 100 કિલોથી વધુનું શંકાસ્પદ ઘી પકડી પાડવામાં આવ્યું છે. બંસીઘર ડેરી નામની દુકાનમાં દરોડા પાડતા પગેરૂ શંકાસ્પદ ઘી સુધી લઇ ગયું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. પાલિકાની ટીમો દ્વારા શંકાસ્પદ ઘીને જપ્ત કરીને તેના નમુનાને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે વધુ એક વખત પોલીસ અને પાલિકાની ટીમો સાથે મળીને કાર્યવાહી કરી રહી હોવાનું સપાટી પર આવ્યું છે. આજરોજ સવારે ગોત્રી પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા ગોત્રી વિસ્તારમાં રામેશ્વર સ્કુલ પાસે આવેલી બંસીધર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા બાદ શંકાસ્પદ ઘી સુધી ટીમો પહોંચી હતી. ઘરમાં સંતાડીને રાખવામાં આવેલા 100 કિલોથી વધુના શંકાસ્પદ ઘીના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી છે. પાલિકાની ટીમો દ્વારા આ ઘીના જથ્થાને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભાજપના નેતા-અગ્રણીઓ જોડે નિકટતા
દરમિયાન બંસીધર ડેરી ના સંચાલકો દ્વારા લાયસન્સ વગર વેપાર કરવામાં આવતો હોવાનું પણ હાલની તપાસમાં સામે આવવા પામ્યું છે. સુત્રોએ ઉમેર્યું કે, બંસીધર ડેરીનો સંચાલક ભાજપના નેતા-અગ્રણીઓ જોડે નિકટતાના સંબંધો ધરાવે છે. પોલીસ અને પાલિકાના દરોડા બાદ ભાજપના નેતા-અગ્રણીઓ દ્વારા તેને બચાવવા માટે દોડધામ શરૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે વધુ સ્પષ્ટતા લેબોરેટરીના પરિણામો બાદ સામે આવશે.
આ પણ વાંચો -- VADODARA : ડિવિઝનના 72 રેલવે સ્ટેશનો પર ટીકીટ માટે QR કોડ થી પેમેન્ટની સુવિધા