VADODARA : તહેવારોને લઇને પોલીસનો સજ્જડ બંદોબસ્ત, 6500 થી વધુ જવાનોની તૈનાતી
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને બાપ્પા નું 17 મી ના રોજ વિસર્જન થનાર છે. ત્યારે 16 મીએ વડોદરામાં મુસ્લિમ સમાજના લોકો ઇદે મિલાદની ઉજવણી કરશે. બંને ધર્મના તહેવારો સારી રીતે ઉજવી શકે તથા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેની માહિતી આપવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં 1, 700 થી વધારે ગણેશજી ની પંડાલમાં પરવાનગી સાથે સ્થાપના
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, આવતા 2 દિવસમાં વડોદરામાં બે મહત્વના તહેવારો ઉજવાઇ રહ્યા છે. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ ગણોશોત્સવ ચાલી રહ્યો છે. 17 મીએ ગણોશોત્સવના અંતિમ દિવસે વિસર્જન થશે. 16 મીએ ઇદે મિલાદની ઉજવણી થનાર છે. શહેરમાં 1, 700 થી વધારે ગણેશજી ની પંડાલમાં પરવાનગી સાથે સ્થાપના કરવામાં આવી છે. તેનાથી વધુ ગણેશજીની સ્થાપના શહેરભરમાંક કરવામાં આવી છે. ચાર અઠવાડિયામાં ગણેશોત્સવની ઉજવણી શાંતી પૂર્ણ રીતે થાય તેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડાલની સુરક્ષા અંગેની વ્યવસ્થા કરી હતી. આ વખતે કૃત્રિમ તળાવોમાં ઉમેરો કરવામાં આવ્યા છે.
શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિ અને આયોજકો સાથે બેઠક
વધુમાં તેમણે જણાવ્યું કે, આજની તારીખે શહેરની ચારેય દિશામાં ગણેશજીનું વિસર્જન કરી શકીએ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તળાવોમાં કેપેસીટી વધારવામાં આવી છે. સુરક્ષાના કારણોસર બેરીકેટીંગ, ક્રેનની વ્યવસ્થા, ઓબ્ઝર્વેશન ટાવર, લોકો માટે રોકાવવા માટેની જગ્યા, પાર્કિંગ, લાઇટીંગ તથા પાલિકાના કર્મીઓ તથા તરવૈયાઓ અને તરાપા મુકવામાં આવ્યા છે. 17 તારીખે તમામ પોલીસ મથકમાંથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ નિકળશે. જેને ધ્યાને રાખીને એસીપી, ડીસીપી કક્ષાએ તબક્કાવાર રીતે શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિ અને આયોજકો સાથે બેઠક કરવામાં આવી છે.
શહેરના ખુણે ખુણેથી નિકળનાર વિસર્જન યાત્રાની સુરક્ષા બની રહેશે
વધુમાં તેમણે ઉમેર્યું કે, ગણેશ વિસર્જનમાં ટ્રાફીકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફીક જાહેરનામું બહાર પાડવામાં આવશે. 17 મી માટે શહેરના 3,500 થી વધારે ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ તથા અન્ય અધિકારીઓ તૈનાત રહેશે. તેની સાથે શહેર બહારથી 3,500 કર્મચારીઓ લાવવામાં આવ્યા છે. તેમાં 4 ડીસીપી, 10 ડીવાયએસપી, 35 પીઆઇ અને 60 પીએસઆઇ અને 600 પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે સાથે એસઆરપીની 6 કંપની, રેપીડ એક્શન ફોર્સની 1 કંપની અને 2, 500 થી વધારે હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો તૈનાત રહેશે. આમ, 6500 થી વધુ જવાનોનો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ફિક્સ્ડ પોઇન્ટ, ડિપ પોઇન્ટ, ધાબા પર પોલીસનો પહેરો અને વ્યુહાત્મક લોકેશન પર પણ પોલીસ જવાનો તૈનાત રહેશે, જેથી કરીને શહેરના ખુણે ખુણેથી નિકળનાર વિસર્જન યાત્રાની સુરક્ષા બની રહેશે. સાથે એન્ટી સોશિયલ એલીમેન્ટ, ગુનેગારો, મુશ્કેલી સર્જનાર સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે.
આજની તારીખે 4 જુલુસ રદ્દ થયા છે
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, પરમ દિવસથી સ્ટેન્ડિંગ પોઝીશનમાં વોટર કેનન, વજ્ર, વરૂણ તથા એન્ટી રાયોટ્યની ટીમો પણ શહેરમાં હાજર રહેશે. 17 મી એ આયોજિત ગણેશ વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થશે. 16 મીએ ઇદે મિલાદનો કાર્યક્રમ છે. તેની પારંપરીક રીતે 45 જેટલા જુલુસો નિકળતા હતા. સવારે 8 થી લઇને રાત્રે 9 વાગ્યા સુધી સંપન્ન થનાર જુલુસો, ધાર્મિક નેતાઓ, સામાજીક નેતાઓ સાથે સંવાદ સાધીને તમામ જુલુસો સવારે 8 થી બપોરે 2 સુધી સંપન્ન થાય તેમ નક્કી કરવામાં આવ્યું છે. આજની તારીખે 4 જુલુસ રદ્દ થયા છે. સ્વૈચ્છિક રીતે તેમણે નક્કી કર્યું છે, કેટલાક જુલુસનો રૂટ ઘટાડાયો છે. તમામ સાથે સહમતી બનાવીને આયોજન માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આજ મોડી રાતથી જ બંદોબસ્ત લાગી જશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી ગોઠવાઇ જશે.
કોઇ પણ અફવાહ ફેલાવવાનો પ્રયાસ થાય તો સ્થાનિક પોલીસને જાણ કરો
વધુમાં ઉમેર્યું કે, મીડિયા માધ્યમથી લોકોને જણાવવાનું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કુદરતી તળાવોમાં વિસર્જન કરી શકાતું નથી. નદી તળાવોમાં વિસર્જન કરવાનો પ્રયાસ કરવો નહી. પોલીસ તથા અન્યની હાજરી ના હોવાના કારણે તમારી સુરક્ષાને જોખમ થઇ શકે છે. નક્કી કરેલી જગ્યાએ જ વિસર્જનનો આગ્રહ રાખો. કેટલાક તળાવોમાં વિસર્જન વેળાએ અંદર જવાનો આગ્રહ કરે છે. તેવું ના કરવું જોઇએ. આ અનુભવી લોકોનું કામ છે, તેમને કરવા દઇએ. અફવાહો ફેલાવવાનું અને તેને માનીને રીસ્પોન્ડ કરવા પર પ્રતિબંધ છે. કોઇ પણ પ્રવૃત્તિ કરવી નહી. પોલીસ નજર રાખી રહી છે. કોઇ પણ અફવાહ ફેલાવવાનો પ્રયાસ થાય તો સ્થાનિક પોલીસને જાણ કરો. જેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે. ગણેશ વિસર્જન યાત્રામાં ટ્રાફીક ડાયવર્ટ કર્યો છે. નગરજનો સાથ સહકાર આપે. એમ્બ્યુલન્સ, ફાયર અને અન્યને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેને મદદ કરવી. ગણેશ વિસર્જન ભીડભાડ વાળું હોય છે. તેમાં સિનિયર સીટીઝન, મહિલાઓ અને બાળકો ભાગ લેતા હોય છે. તેઓ સુરક્ષાનું ધ્યાન રાખે. જરૂર ના હોય તો યાત્રા ટાળી શકાય, તેવી અપીલ છે. જ્યાં પોલીસ સહાયની જરૂર પડશે, અમે તમારી મદદ માટે સદૈવ તૈયાર છીએ.
વીડિયો એનાલિટિકલ ટુલની મદદથી કામ કરીશું
આખરમાં તેમણે જણાવ્યું કે, પોલીસના તમામ પ્રયાસો શહેરમાં શાંતિ જાળવવા માટેના છે. પોલીસ સોશિયલ મીડિયા મોનીટરીંગ, આરોપીઓ પર નજર, મોનીટરીંગ કરી રહી છે. સાથે જ ફૂટપેટ્રોલીંગ પણ કરી રહી છે. ચાર દરવાજામાં ખાસ પોલીસની હાજરી છે. ફિક્સ્ડ પોઇન્ટ, અને ધાબા પોઈન્ટ મુક્યા છે. કેટલીક જગ્યાએ ત્રણ કંપની એસઆરપી કાયમી તૈનાત રહેશે. આપણે ટેક્નોલોજીના માધ્યમથી ડ્રોન, સીસીટીવી અને 750 બોડી વોર્ન કેમેરાની મદદથી વિસર્જન સ્થળ, રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખીશું. વીડિયો એનાલિટિકલ ટુલની મદદથી કામ કરીશું. નાની ઘટનાઓ મોટું સ્વરૂપ ના લે તેવી વ્યુહાત્મકતાથી કર્મીએ કામ કરશે.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લામાં પ્રતિદિન સરેરાશ 150 જેટલા ખાડાઓનું પેચવર્ક