VADODARA : હાથીખાના હોલસેલ માર્કેટમાંથી બે બાળ શ્રમિકો મુક્ત કરાવાયા
VADODARA : વડોદરાના સૌથી જુના અને જાણીતા હોલસેલ માર્કેટ હાથીખાનામાં આવેલી બે દુકાનોમાં ગોંધી રખાયેલા બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. વડોદરા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા કાર્યવાહી કરીને બે સગીર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. તેની સાથે જ બેજવાબદાર દુકાન સંચાલકો સામે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
કમલા કિરાના સ્ટોર્સ અને દેવાંશી ટ્રેડર્સમાં તપાસ કરતા બાળ શ્રમિકો મળી આવ્યા
વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં યુનિટના પીઆઇને બાતમી મળી હતી કે, હાથીખાના હોલસેલ માર્કેટમાં આવેલી દુકાનમાં સંચાલકો દ્વારા સગીર વયના બાળકો પાસે મજુરી કરાવી તેનું માનસીક અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જે બાદ ટીમ તાત્કાલિક હાથીખાના માર્કેટ પહોંચી હતી. હાથીખાનામાં કમલા કિરાના સ્ટોર્સ અને દેવાંશી ટ્રેડર્સમાં તપાસ કરતા એક એક બાળ શ્રમિકો મળી આવ્યા હતા.
જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી
જે બાદ કમલા કિરાણા સ્ટોર્સના માલિક મહેશભાઇ મહાદેવભાઇ રાઠી (રહે. મહેશ્વરી સોસાયટી, રેલવે કેબિન સામે, બાજવા રોડ) અને દેવાંશી ટ્રેડર્સના માલિક કમલેશભાઇ ધીરજલાલ ગોંધીયા (રહે. ગાંધીનગર સોસાયટીસ, કારેલીબાગ, વડોદરા) ના વિરૂદ્ધમાં કુંભારવાડા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં મુક્ત કરાવાયેલા બંને બાળકોને સલામત રીતે તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનીતી પુત્રી-માતાની સૌરાષ્ટ્રથી અટકાયત