VADODARA : કૌટુંબિક ઝઘડો વધતા યુવકે દેશી તમંચો ખરીદ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં જીએસઆરટીસીની ઇલેક્ટ્રીક બસમાં અમદાવાદ જતા શખ્સની બેગમાં દેશી પિસ્તોલ હોવાની બાતમી મળતા ફતેગંજ પોલીસ (FATEHGUNJ POLICE STATION) દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ પિસ્તોલ તેણે જીએસઆરટીસીના ડ્રાઇવર પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું છે. પિસ્તોલ ખરીદવા પાછળનું કારણ હાલમાં ચાલકો કૌટુંબિક ઝઘડો હોવાનું પોલીસ સુત્રોનું જણાવવું છે. આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીટેક્નિક ગેટ પાસે છુટ્ટા છવાયા ઉભા રહીને વોચ ગોઠવી
ફતેગંજ પોલીસ મથકના એેએસઆઇને અંગત બાતમીદાર તરફથી બાતમી મળી કે, એક કેસરી કલરની જીએસઆરટીસીની ઇલેક્ટ્રીક બસમાં, વડોદરાથી અમદાવાદ તરફ જતા રૂટ પર પ્રથમ પેસેન્જર બેઠો છે. તેના કપડાંનું વર્ણન જણાવવામાં આવ્યું હતું. તેની પાસેની કાળા કલરની સ્કુલ બેગમાં પિસ્તોલ જેવું હથિયાર સાથે લઇને અમદાવાદ જઇ રહ્યો છે. અને આ બસ થોડી જ વારમાં પંડ્યા બ્રિજ પાસેથી પસાર થનાર છે. જેના આધારે પીઆઇએ પોલીસ સ્ટાફ જોડે પંડ્યા બ્રિજ પોલીટેક્નિક ગેટ પાસે છુટ્ટા છવાયા ઉભા રહીને વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બસ આવતા તેને રોકવાનો ઇશારો કર્યો હતો.
લોડ-અનલોડ કરતા તે ખાલી હોવાનું જણાઇ આવ્યું
બાદમાં બસમાં અંદર જઇને તપાસ કરતા બાતમીથી મળતા વર્ણનવાળા શખ્સની અટકાયત કરીને તેની બેગ તપાસવામાં આવી હતી. શખ્સે પોતાનું નામ વિશ્વજિતસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજિતસિંહ પરમાર (રહે. યમુનાનગર, નરોડા, અમદાવાદ) જણાવ્યું હતું. તેની પાસેની બેગમાંથી દેશી બનાવટની પિસ્તોલો મળી આવી હતી. જેને લોડ-અનલોડ કરતા તે ખાલી હોવાનું જણાઇ આવ્યું હતું.
પિસ્તોલ આરોપીએ રૂ. 35 હજારમાં ખરીદી
પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે આ તમંચો ઇલેક્ટ્રીક બસના ડ્રાઇવર દિલીપ રકાઠા પાસેથી મેળવ્યો હતો. તે મકરપુરાથી અમદાવાદના રૂટ પર જીએસઆરટીસીની બસ ચલાવે છે. આ પિસ્તોલ આરોપીએ રૂ. 35 હજારમાં ખરીદી હતી. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપીના પરિવારમાં કૌટુંબિક ઝઘડો ચાલી રહ્યો છે. જેથી તેણે તમંચો ખરીદ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવવા પામ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ઇલેક્ટ્રિક પેનલમાંથી દારૂ શોધવા પોલીસ ડીસમીસ લઇને કામે લાગી