VADODARA : વાસણા જંક્શન પર ઓવરબ્રિજના વિરોધમાં લોકોને મળ્યો ધારાસભ્યનો સાથ
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા રોડ પર આવેલા ડિ માર્ટ પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પાલિકા તંત્ર દ્વારા ઓવર બ્રિજ (VASNA ROAD OVER BRIDGE) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરીથી સ્થાનિકો નારાજ છે. અને હવે તેમના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ (BJP MLA CHAITANYA DESAI - VADODARA) નો સાથ મળ્યો છે. તાજેતરમાં ધારાસભ્ય સાથે મળીને સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર જોડે મુલાકાત કરી હતી. અને તેમના પ્રશ્નોને લઇને વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરી હતી.
મ્યુનિસિપલ કમિશનર જોડેની મુલાકાતમાં ધારાસભ્ય તેમની જોડે રહ્યા હતા
વડોદરાના વાસણા જંક્શન પર ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે ઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને લોકોમાં નારાજગી છે. આ નારાજગી વ્યક્ત કરવા સ્થાનિકો પ્રથમ શહેર ભાજપ પ્રમુખ અને ત્યાર બાદ ધારાસભ્ય અને બાદમાં મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતે પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર જોડેની મુલાકાતમાં ધારાસભ્ય તેમની જોડે રહ્યા હતા. અને જરૂરી તમામ માહિતી તેમની સમક્ષ મુકી હતી. જેની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બધાયે ભેગા થઇને બ્રિજ યોગ્ય ના હોવાનું નક્કી કર્યું
આ તકે જાગૃત નાગરિક હિતાર્થ પંડ્યાએ મીડિયાને જણાવ્યું કે, વાસણા રોડ પર ફ્લાઇ ઓવર બનવાનો છે, તેની લંબાઇ 793 મીટર છે. તે ફ્લાઇ ઓવર માત્ર રાણેશ્વર સર્કલને મદદરૂપ થશે. સોસાયટીઓના રહીશો એકત્ર થયા હતા. બ્રિજના કારણે કોમ્પલેક્ષમાં કાર્યરત વેપાર-ધંધાને પણ અસર પહોંચે તેમ છે. બધાયે ભેગા થઇને બ્રિજ યોગ્ય ના હોવાનું નક્કી કર્યું હતું. બ્રિજ માટે જરૂરી પહોળાઇ ખુબ નાની છે. સાથે જ નીચેનો રસ્તો પણ સાંકડો છે. જેથી ઉપર અને નીચે બંને પર વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. જે અંગે અમે સ્થાનિક ધારાસભ્યને મળ્યા હતા. તે પહેલા અમે શહેર ભાજપ પ્રમુખને પણ મળ્યા હતા. તેમણે પણ અમારી વાત સાથે સહમતિ દર્શાવી હતી.
બ્રિજને સર્વે 5 - 6 વર્ષ પહેલા થયો હતો
વધુમાં જણાવ્યું કે, અમારૂ કહેવું છે કે, પહેલા રોડ પહોળા કરો. અમે ધારાસભ્યને રજુઆત કરી કે સર્કલને રીડિઝાઇન કરો. તેમણે અમારી વાત સ્વીકારી હતી. મ્યુનિસિપલ કમિશનરે અમારી રજુઆત સાંભળી છે. અને તેમણે કહ્યું છે કે, બે ત્રણ દિવસમાં તેઓ સ્થળ મુલાકાત લેશે. બ્રિજને સર્વે 5 - 6 વર્ષ પહેલા થયો હતો. ત્યારથી અત્યાર સુધી ઘણા બદલાવ આવ્યા છે. અન્ય રસ્તાઓ પણ બન્યા છે. જેના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ થયો છે. ફરીથી બ્રિજની જરૂરીયાત જોવી જોઇએ તે જ રહીશોની માંગણી છે.
હકારાત્મક આવકાર આપીને જણાવ્યું કે, વાત સાચી છે
અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જણાવ્યું કે, રાણેશ્વર મહાદેવ મંદિર પાસે બ્રિજની વાત છે. રહીશોનું કહેવું છે કે, બ્રિજ સિવાય વૈકલ્પિક દિશા તરફ જુઓ. લોકોએ કમિશનર સમક્ષ પોતાની વાત મુકી છે. કમિશનરે પણ લોકોના પ્રશ્નોને હકારાત્મક આવકાર આપીને જણાવ્યું કે, વાત સાચી છે. આવનારા બે મહિનામાં શું પરિણામ મળે છે, તે જોઇએ છીએ.
બ્રિજનો ખર્ચ કરો, અને સાયફન ના કરો તે ખોટું છે
વધુમાં જણાવ્યું કે, બીજો વિષય છે કે, નર્મદા કેનાલ પર સનફાર્મા અને ભાયલીનો જોડતો બ્રિજ થઇ રહ્યો છે, તેના માટે મારૂ અને શૈલેષ સોટ્ટાનું કહેવું છે કે, તે કેનાલ ચાણસદ પૂર્ણ થઇ જાય છે. ચાણસદ પાસે વુડાના રસ્તાઓનું નેટવર્ક છે. આવનાર સમયમાં ત્યાં ઘરો બંધાશે. ત્યાં જમીન રહેશે નહીં. ત્યારે કેનાલમાં પાણી છોડાશે તે પ્રશ્ન છે. તો હમણાં બ્રિજ કેમ ! ભવિષ્યને ધ્યાને રાખીને ખોટો બ્રિજનો ખર્ચ કરો, અને સાયફન ના કરો તે ખોટું છે. વિવિધ લાઇનો બ્રિજ પરથી નાંખવી મુશ્કેલ પડે. જમીનમાંથી લઇ જવી સહેલી પડે. આ મામલે રજુઆત કરી છે. હવે કમિશનર તરફથી શુ પ્રતિસાદ મળે છે તે જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : જ્યાં ત્યાં કચરો ફેંકનાર CCTV માં કેદ, વાહન નંબરના આધારે કાર્યવાહી