VADODARA : પ્લાસ્ટીકના રો મટીરીયરની આડમાં દારૂનો જથ્થો લાવવાની ચાલાકી નાકામ
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં તહેવારોની મોસમ ખીલવાની તૈયારીમાં છે. તેવા સમયે કન્ટેનરમાં પ્લાસ્ટીકના રો મટીરીયલની આડમાં દારૂનો જથ્થો લાવવાની ચાલ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નાકામ બનાવી દીધી છે. આ કાર્યવાહીમાં પીસીબીની ટીમે એકનો દબોચી લીધો છે. જ્યારે એક આરોપીનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉક્ત કાર્યવાહીમાં પીસીબીની ટીમે રૂ. 29.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પીસીબીના પીઆઇ સીબી ટંડેલને બાતમી મળી
વડોદરામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. તેમાં પીસીબીના પીઆઇ સીબી ટંડેલને બાતમી મળી કે, મુંબઇ તરફથી આવતા કન્ટેનરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ચાલત સૌરાષ્ટ્રના જામનગર તરફ જવા નિકળ્યો છે. આ કન્ટેનર નવા સુપર એક્સપ્રેસ હાઇવે પર થઇને ફાજલપુર થઇને પસાર થનાર છે.
ભાગીરથ બિશ્નોઇને દબોચી લેવામાં આવ્યો
ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમે સ્થળ પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન કન્ટેરનર આવતા તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરમાંથી પ્લાસ્ટીકના રો મટીરીયલની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે ભાગીરથ બિશ્નોઇ નામના ઇસમનો દબોચી લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે નંદેસરી પોલીસ મથકમાં પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એક આરોપી વોન્ટેડ જાહેર
આરોપી ભાગીરથ હીરારામ ગોદારા (બિશ્નોઇ) (રહે. યુર્યા પેલેસ સોસાયટી, અંકલેશ્વર, ભરૂત) (મુળ રહે. સરણવ, સાંચોર - રાજસ્થાન) સામે એક ગુનો હરણી પોલીસ મથકમાં નોંધાઇ ચુક્યો છે. અને તે એક વખત પાસા હેઠળ પણ ધકેલાયો છે. આ મામલે માના (રહે. બાડમેર, રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં રૂ. 9.07 લાખની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલો, મોબાઇલ, પ્લાસ્ટીકનું રો મટીરીયવલ અને કન્ટેનર મળીને રૂ. 29.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --VADODARA : વહુ પાસેથી લોન અને ગાડીનો ખેલ પાડ્યા બાદ ભૂવાજી સસરાએ માતાજીની બીક બતાવી