VADODARA : માર્ગ અકસ્માત નિવારવા ટીમ રિવોલ્યુશનનો અનોખો પ્રયાસ
VADODARA : વડોદરા સહિત દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે ભવિષ્યમાં વડોદરાને એક્સિડન્ટ ફ્રી સીટી બનાવવા માટે ટીમ રિવોલ્યુશન દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા લખ્યું કે, તમારા ઘર-ઓફિસ નજીક જ્યાં અકસ્માત થાય, તેનું લિસ્ટ બનાવીને આપો. અમે સ્વખર્ચે અકસ્માત નિવારવા માટેના પગલાં ભરીશું. આમ, અકસ્માત નિવારવા માટેના તંત્રના પ્રયાસોને વેગ આપવા માટે સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી રહી છે. આ પ્રયાસો કેટલા ફળદાયી નિવડે છે, તે તો આવનાર ભવિષ્યમાં જ સ્પષ્ટ થશે. (TEAM REVOLUTION WILL PUT EXTRA EFFORTS TO DECREASE ACCIDENT RATE - VADODARA).
હિટ એન્ડ રનની ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો
વડોદરામાં વિતેલા 10 દિવસથી એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તંત્ર દ્વારા અકસ્માત નિવારવા માટેના લાખ પ્રયત્નો છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો. તાજેતરમાં વડોદરામાં બનેલી હિટ એન્ડ રનની ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે અકસ્માત રોકવા માટેના તંત્રના પ્રયાસોને વેગ આપવા માટે ટીમ રિવોલ્યુશન આગળ આવ્યું છે.
લિસ્ટ બનાવીને આપવાનું છે
ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તમારે તમારા ઘર-ઓફિસ નજીક કોઇ પણ જગ્યાએ અકસ્માત થાય છે, તેનું લિસ્ટ બનાવીને આપવાનું છે. જેમાં અમારી ટીમ સંપુર્ણ ખર્ચ જાતે કરીને તે જગ્યા પર અકસ્માત ના થાય તેવા તમામ પ્રયત્ન કરશે. જરૂર પડ્યે અમારી ટીમ સરકારી તંત્રની મદદ પણ માંગશે. જેથી શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય, અને લોકોના જીવ જોખમમાં ના મુકાય. ઉપરોક્ત માહિતી આપવા માટેનો વોટ્સએપ નંબર 9904841108 જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : શહેર-જિલ્લામાંથી ટીબીના 6,108 દર્દીઓ રોગમુક્ત થયા