VADODARA : નવાપુરામાં પાણીની સમસ્યા ઉકેલવા ડે. મેયર દોડી આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા વિસ્તારમાં દુષિત પાણી આવતું હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. આ અંગે પાલિકાના ચેરમેનને (VMC - CHAIRMAN) રજુઆત કરતા કોર્પોરેટર સાથે શાબ્દિક ટપાટપી થઇ હોવાની ઘટના સપાટી પર આવી છે. આજે આ સમસ્યાની ઝીણવટભરી રીતે જાણી તેનો ઉકેલ લાવવા માટે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થળ પર પહોંચ્યા છે. અને વિગતવાર માહિતી મેળવીને ઉકેલની દિશામાં દિશાનિર્દેશો કર્યા છે.
એકદમ ફોલ્ટ મળતો નથી
નવાપુરા વિસ્તારમાં પાણીની સમસ્યાને ઉકેલની દિશામાં આગળ લઇ જવા માટે આવેલા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જણાવે છે કે, ગઇકાલે વોર્ડના કાઉન્સિલર અને સંગઠનના પદાધિકારીઓએ રજુઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી અહિંયા ગંદા પાણીની સમસ્યા છે. એટલા માટે હું મુલાકાતે આવ્યો છું. ખરેખર શું સમસ્યા છે ? અને કેટલા સમયમાં તેનું નિરાકરણ આવી શકે તેમ છે ? ડ્રેનેજના ઇશ્યુમાં જમીન નીચે ચેક કરીને એકદમ ફોલ્ટ મળતો નથી. એટલે સમય લાગે છે. પંપીગ સ્ટેશનમાં મોટરો મુકેલી છે, એક વધારાની મોટર પણ છે, છતાં કેપેસીટી ઓછી પડે છે.
નિરાકરણ લાવી દઇશું
વધુમાં તેમણે જણાવ્યું કે, નવું પંપીગ સ્ટેશન બનાવવાની જરૂર છે. જે માટે ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે. પરંતુ ટેન્ડર ભરાતા નથી. કેમ નથી ભરાતા તેની તપાસ કરીને વહેલી તકે કામ થાય અને વિસ્તારના નાગરીકોને સહુલિયત મળે તે દિશામાં નક્કર કામગીરી કરીશું. ડ્રેનેજ લાઇનમાં ફોલ્ટ મળી જાય તો 2 દિવસમાં પણ સમસ્યા ઉકેલાઇ શકે છે, અને ન મળે તો 20 દિવસ પણ લાગી શકે. મેં સુચના આપી છે કે, આ કામ જલ્દી પૂર્ણ કરો. ટેન્કરથી પાણી મળે છે, તેમાં કોઇ સમસ્યા હશે, તો તેનું નિરાકરણ લાવી દઇશું.
જોવા સુધ્ધાં આવ્યા નથી
કોર્પોરેટર જાગૃતિબેન કાકા જણાવે છે કે, આખા નવાપુરા વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે. અધિકારીઓ ફોલ્ટ શોધી રહ્યા છે. વિસ્તારના લોકોની તકલીફ જલ્દી ઓછી થાય તેવા પ્રયત્નો છે. ત્રણ દિવસથી સ્ટેન્ડિંગ ચેરમેનને રજુઆત કરી પરંતુ તેઓ અહિંયા જોવા સુધ્ધાં આવ્યા નથી. જે બાદ ડેપ્યુટી મેયરને પણ રજુઆત કરી હતી. જેથી તેઓ અહિંયા જોવા આવ્યા છે. અને કહ્યું છે કે, નવાપુરામાં એક સાથે ત્રણ જેટલી ટેન્કર મોકલો, એક ન મોકલો, કામ કરવા જતો વર્ગ એક સાથે પાણી માટે રાહ જોતો હોય છે, એટલે પાણી ભરવામાં તકલીફ પડે છે. ટેન્કર પહોંચી નથી વળતા.
તેની પડખે અમે રહીશું
કોર્પોરેટર ધર્મેશભાઇ પટણી જણાવે છે કે, આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી છે. દર વખતે ત્રણ-ચાર મહિને સમસ્યા આવે છે. અગાઉ એસટીપી મંજુર કરવામાં આવ્યું છે. ત્રણ વખત ટેન્ડરીંગ થયું હતું. કોઇ કોન્ટ્રાક્ટર મળતું નથી. અલગ અલગ બહાના કાઢે છે. જે કોઇ કોન્ટ્રાક્ટરને મુશ્કેલી પડશે, તેની પડખે અમે રહીશું. વોર્ડ નં - 13 ના 60 ટકા લોકોનું આ વિસ્તારમાં જોડાણ છે. આની આ પરિસ્થિતી સમયાંતરે સામે આવતી હોય છે. કર્મચારી પર ખાસ વોચ રાખવી જોઇએ. નાગરિકની સુખાકારી માટે સખત મોનીટરીંગ થવું જોઇએ. નવું એસટીપી બન્યા સિવાય આ મામલાનો સુખદ અંત આવે તેમ નથી.
આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં ઠેર ઠેર ગંદકીના ખડકલા, જોવા વાળુ કોઇ નથી