Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરાના ભગવતનગર, ગણેશનગરમાં દૂષિત પાણી આવતા રોગચાળાની ભીતિ

અહેવાલ - નામદેવ પાટીલ, અમદાવાદ ગોધરા શહેરની ભગવતનગર અને ગણેશ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવતા રહી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. નગરપાલિકા દ્વારા આ સોસાયટીઓમાં આપવામાં આવતું પાણી ભૂગર્ભ ગટર કર અન્ય કોઈ લાઈન સાથે જોડાણ થઈ આવતું...
ગોધરાના ભગવતનગર  ગણેશનગરમાં દૂષિત પાણી આવતા રોગચાળાની ભીતિ

અહેવાલ - નામદેવ પાટીલ, અમદાવાદ

Advertisement

ગોધરા શહેરની ભગવતનગર અને ગણેશ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવતા રહી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. નગરપાલિકા દ્વારા આ સોસાયટીઓમાં આપવામાં આવતું પાણી ભૂગર્ભ ગટર કર અન્ય કોઈ લાઈન સાથે જોડાણ થઈ આવતું હોવાથી ખૂબ જ દૂષિત અને દુર્ગન્ધ મારતું આવી રહ્યું છે. આ પાણીના ઉપયોગથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે નગરપાલિકા તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ શહેરમાં હાલ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન લીકેજ થતાં આ સમસ્યા ઉદ્દભવી રહી છે અને લીકેજ શોધી કામગીરી હાલ કરવામાં આવી રહી છે. બીજી તરફ રહીશો પાણી વેરો ભરવા છતાં હાલ નાણાં ખર્ચી પાણીના જગ મંગાવી ઉપયોગમાં લેવા માટે મજબુર બન્યા છે.

Advertisement

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ગોધરા શહેરના પોઝ વિસ્તાર તરીકે જાણીતા ભગવત નગર માં છેલ્લા ત્રણ દિવસ ઉપરાંતના સમયથી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત , દુર્ગંધ મારતું તેમજ લાલ કલરનું આવતું હોવાની સ્થાનિકોમાં ફરીયાદ ઊઠવા પામી હતી. ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી ભગવત નગર સોસાયટીમાં પણ છેલ્લા ત્રણ દિવસ થી દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Advertisement

નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી હાલ કોઈપણ ઉપયોગમાં નહીં આવતા પાણીની અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઘરના નાણાં ખર્ચી કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકો દ્વારા દૂષિત પાણી અંગે નગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ ત્રણ દિવસનો સમય વીત્યા હોવા છતાં દૂષિત પાણીની સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ થવા પામ્યું ન હતું. જેને લઈને ભર ઉનાળે પાણીની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે.

પાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો ખાનગી જગ્યાએથી પાણી ખરીદીને લાવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે નગરપાલિકા જે પાણી આપે છે તે પીવાના પાણીની પાઇપ માં ગટરનું અથવા તો અન્ય દૂષિત પાણી ભળી જવાને લઈને આ સમસ્યા સર્જાઈ છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયું છે.

અનેક વખતની રજૂઆતો બાદ પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પીવાનું દૂષિત પાણી માત્ર ભાગવત નગરમાં જ આવી રહ્યું છે તેવું નથી ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ગણેશ નગર સોસાયટીમાં પણ છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી દૂષિત પાણી આપવામાં આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ગણેશ નગર સોસાયટીમાં 100 ઉપરાંત મકાનો આવેલા છે અને આ મકાનોમાં પાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે તેમાં પણ ગટર અથવા તો અન્ય કોઈપણ દૂષિત પાણી ભળી જવાને લઈને છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી આ વિસ્તારના લોકોને દુર્ગંધ મારતું તેમજ દૂષિત પાણી અને એ પણ ઓછા ફોર્સ સાથે છેલ્લા એક માસના સમયથી આપવામાં આવી રહ્યું છે.

આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના તંત્રને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવ્યા બાદ પાલિકા દ્વારા ફરિયાદ અંગે કાર્યવાહી તો કરવામાં આવી પરંતુ પાલિકાના પાણી વિભાગને આ વિસ્તારની પાણીની લાઈનમાં દૂષિત પાણી ક્યાંથી ભળી જાય છે તે હજુ સુધી શોધી શકાયું નથી જેને લઈને હાલમાં પણ આ વિસ્તારમાં સ્થાનિકોના ઘરમાં દૂષિત પાણી જ આપવામાં આવી રહ્યું છે.

આ સમસ્યાને લઈ રહીશો હાલ નાણાં ખર્ચી પાણી મેળવી પીવા અને ઘર વપરાશમાં ઉપયોગ કરી રહ્યા છે .જેથી પાલિકા તંત્ર વહેલી તકે દૂષિત પાણીની સમસ્યા દૂર કરે એવી રહીશો માંગણી કરી રહ્યા છે. ગોધરા શહેરમાં હાલ રિલાયન્સ જીઓ કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિકલ કેબલ જમીનમાં ડ્રિલિંગ નાંખવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન કરવામાં આવતાં ખોદકામ ટાણે પાણીના જોડાણ ની પાઇપોમાં લીકેજ સર્જાઈ રહ્યું છે અને જેથી પાણી દૂષિત થઈ રહ્યું છે.

કેટલાક ઠેકાણે પાણીની પાઇપ લીકેજ થવા સાથે ભૂગર્ભ ગટર ની લાઈનમાં થી પણ પાણી પીવાની પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું હોવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. જોકે નગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને સંચાલકોને આ બાબતે જાણ કરી ખોદકામ કરતી વેળાએ નગરપાલિકાને અવશ્ય સાથે રાખવામાં આવે એવી તાકીદ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મકતમપુરમાં પરપ્રાંતીઓના આતંકના વિડીયો બાદ પોલીસ એકશનમાં

Tags :
Advertisement

.