VADODARA : નારાયણ વિદ્યાલયનો સ્ટેબીલીટી રીપોર્ટ શંકાના દાયરામાં
VADODARA : વડોદરા (VADODARA) ના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAYA) માં ગતરોજ રીસેષ દરમિયાન ક્લાસરૂમના સ્લેબનો ભાગ તુટીને પડ્યો હતો. જેમાં તે દિવાલના ટેકે નાશ્તો કરી રહેલા વિદ્યાર્થી સહિત બેંચ નીચે પડી હતી. જેમાં એક વિદ્યાર્થીને માથે ટાંકા આવ્યા હતા. સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન સામે આવ્યું કે, 12, જુન - 2024 ના રોજ શાળા સંચાલકો દ્વારા ઝરણા એસોસિયેટ તરફથી સ્ટ્રક્ચર સેફ હોવાનો રિપોર્ટ મેળવ્યો હતો. હવે આ રિપોર્ટ કયા પાસાઓને ધ્યાને રાખીને આપવામાં આવ્યો હોવાની ઝીણવટભરી તપાસ કરવા માટેની માંગ ઉઠવા પામી છે.
વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થઇ ગયા
ગત બપોરે નારાયણ વિદ્યાલયમાં રીસેષ દરમિયાન નારાયણ વિદ્યાલયનો સ્લેબ પડ્યો હતો. જેમાં તે જગ્યાએ હાજર વિદ્યાર્થી નીચે પટકાયો હતો. અચાનક ધડાકાભેર પડેલા સ્લેબના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. એટલું જ નહી વિદ્યાર્થીઓના પણ જીવ અદ્ધર થઇ ગયા હતા. ત્યારે પ્રિન્સિપાલ દ્વારા ક્લાસરૂમમાં કોઇ ન હોવાનું જુઠાણું ચલાવવામાં આવ્યું હતું. જો કે, રાત્રે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા શાળાના પ્રિન્સિપાલનું જુઠ પકડાઇ ગયું હતું.
સ્કુલ સેફ હોવાનો રિપોર્ટ
જે બાદ વાત સામે આવી કે, નારાયણ વિદ્યાલય દ્વારા ઝરણા એસોસિયેટ નામની ફર્મ પાસેથી સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી ચેક કરાવવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા સ્કુલ સેફ હોવાનો રિપોર્ટ સ્કુલને સુપરત કરવામાં આવ્યો હતો. જો કે, આ રિપોર્ટ આપ્યાના સવા મહિનામાં જ બાલ્કની ધરાશાઇ થવાની ઘટના સામે આવતા હવે આ રિપોર્ટ શંકાના દાયરામાં આવ્યો છે.
ઝીણવટભરી તપાસની માંગ
જેથી હવે ઝરણા એસોસિયેટ્સ દ્વારા આપવામાં આવેલા આ પ્રકારના રિપોર્ટ માટે કયા પ્રકારના પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, તેમના દ્વારા કોને કોને આ પ્રકારે સર્ટીફીકેટ ઇશ્યુ કરવામાં આવ્યા છે, સમગ્ર કામગીરીમાં કોઇ ગોલમાલ થઇ છે કે કેમ, તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. અને આ મામલે ઝીણવટભરી તપાસ કરીને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ પ્રબળ થવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : સુલતાનપુરામાં એક રાતમાં ત્રણ મકાનોના તાળા તુટ્યા