VADODARA : MSU ના વિવાદીત VC સામે કાર્યવાહીનો માર્ગ ખુલ્યો
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના વિવાદીત વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ સામે કાર્યવાહીનો માર્ગ મોકળો થયો હોવાનું સામે આવ્યું છે. ઓછી લાયકાત ધરાવવાના આરોપસર ઘેરાયેલા વીસી સામે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. જેને લઇને વીસી સામે કાર્યવાહીનો માર્ગ ખુલ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અવાર-નવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના વીસી પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવનો કાર્યકાળ વિવાદોથી ભરાયેલો છે. તેઓની વીસીના પદ માટેની ઓછી લાયકાત, મનસ્વી રીતે લેવાયેલા નિર્ણયો તથા અન્ય કારણોસર તેઓ ચર્ચામાં રહે છે. તો બીજી તરફ યુનિ.ના હિતેચ્છુઓ દ્વારા આ અંગે અવાર-નવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. તે પૈકી એક યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના પ્રોફેસર સતીષ પાઠક છે. તેઓ વીસીની ગેરરિતીઓ સામે બુલંદ આવાજ ઉઠાવતા રહે છે. અને આ વાતની નોંધ ઉચ્ચકક્ષાએ લેવાય તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે.
કાર્યવાહીના આદેશો છુટ્યા
તાજેતરમાં પ્રોફેસર સતીષ પાઠક દ્વારા વીસીના મામલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજુઆત કરી હતી. જે અંગે પ્રધાનમંત્રી કાર્યાલયથી કાર્યવાહીના આદેશો છુટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જોતા વીસી સામે હવે સૌ કોઇ ઇચ્છી રહ્યા છે તેવી કડક કાર્યવાહી થાય તો નવાઇ નહીં. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા રાજ્ય સરકારના આ મામલે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.
આગળ શું થાય તેના પર નજર
વીસી પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ સામે માત્ર પ્રો. સતીષ પાઠક જ નહી પરંતુ તમામ પૂર્વ સેનેટ-સિન્ડીકેટ સભ્યો પોતાનો અવાજ ઉઠાવી ચુક્યા છે. હાલમાં યુનિ.માં એડમિશન મામલે તો આંદોલનનું રણશિંગુ પણ ફૂંકાયું હતું. જો કે, વીસી સામેના આ તમામ પ્રયત્નો હવે ફળી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકામાં અંતરિક બદલી, 8 અધિકારીઓના વિભાગ બદલાયા