VADODARA : સંકલનની બેઠક બાદ ધારાસભ્યોની ચિમકી, "પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો બહિષ્કાર"
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા કલેક્ટર કચેરી (COLLECTOR OFFICE) ખાતે તાજેતરમાં ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાસંદ અને ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ધારાસભ્યોએ કલેક્ટરને ચિમકી આપતા જણાવ્યું હતું કે, આગામી મળનાર સંકલન સમિતિની બેઠક સુધીમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો અમે સંકલન સમિતિનો બહિષ્કાર કરીશું.
માનવીની આરોગ્યની સુખાકારીનો હેતુ બર આવતો નથી
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ સંકલનમાં જણાવ્યું કે, અગાઉ આયુષ્યમાન કઢાવવા માટે પંચાયતની આઇડી આપવામાં આવી હતી, પરંતુ હવે આ આઈડી બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે સમાજના સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારોને બિનજરૂરી રીતે ઊંચા નાણા ખર્ચે આયુષ્યમાન કાર્ડ કરાવવા પડે છે. બંધ કરાયેલી આ આઈડી વહેલી તકે શરૂ કરવી જોઈએ તેવી રજૂઆત શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ સંકલન સમિતિમાં કરી હતી. આ આ સામાન્ય વહીવટી કમીને કારણે સરકારનો છેવાડાના માનવીની આરોગ્યની સુખાકારીનો હેતુ બર આવતો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
ઘરથાળના પ્લોટ અન્ય સ્થળે ખસેડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
વધુમાં તેમણે સંકલન સમિતિની બેઠકમાં સાંસદે વાઘોડિયા તાલુકાના હનુમાનપુરા ગામ ખાતે ઘરથાળના પ્લોટ અન્ય સ્થળે ખસેડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઉપરાંત સુખલીપુરા ગામ પાસેથી પસાર થતી સુર્યા નદી પર કાંઠાની સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂરિયાત હોવાનું સૂચન તેમને કહ્યું હતું.
મોટા માથાઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી
ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું કે, ચાંદોદ ખાતે એસટીપી પ્લાન્ટ બનાવાય, ઉપરાંત ખલીપુર ગામે એસટીપી પ્લાન માટે નવી જમીન ફાળવવા માગણી કરી હતી. આ સાથે ભાયલી વિસ્તારમાં નવી સોસાયટીઓ અને બંગલાઓ બની રહ્યા છે. પરંતુ, આ વિસ્તારમાં વધુમાં વધુ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના મકાનો બની રહ્યા છે. ત્યારે અન્ય વિસ્તારોમાં પણ પ્રધાનમંત્રી આવાસો બની શકે છે. કરનેટ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું છે. તાજેતરમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. પરંતુ આ નાના માણસો છે. મોટા માથાઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. સતત રેતી ખનનના કારણે બ્રિજને પણ નુકસાન થઈ રહ્યું છે. રેતી ખનનકારો સામે કડક કાર્યવાહીની રજૂઆત કરી છે.
ઓપન હાઉસમાં વધુમાં વધુ ફાઈલો મંજૂર કરે
વધુમાં તેમણે જણાવ્યું કે, સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કલેક્ટર કચેરીમાં એન.એ. ની ફાઈલો સમયસર મંજૂર ન થવાના કારણે ડેવલપમેન્ટ પર અસર પહોંચી રહી છે. આથી ઓપન હાઉસમાં વધુમાં વધુ ફાઈલો મંજૂર કરે તેવી મારી માંગણી છે. આ બાબતે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરાશે. સંકલન સમિતિની બેઠક મળે છે અને ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરાય છે. પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. આગામી સંકલન સુધીમાં અમારા પ્રશ્નોની રજૂઆતોનુ નિરાકરણ નહીં આવે તો અમો તમામ ધારાસભ્યોએ સંકલન સમિતિમાંથી વોક આઉટ કરવાનો નિર્ણય લીધો છે.
30 કિમીની જગ્યામાં કાંસ ઉપર બાંધકામ કરાયું
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રણોલી, બાજવા, કોયલી, કરચિયા જેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ગામડાઓમાં ભરાય છે. જેના કારણે લોકોને નુકસાન તેમજ ખેતીનું પણ ધોવાણ થાય છે. આથી પોણો કિલોમીટરનો કાંસ બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત કટંબી પાસે શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે. જે પાર્ક બનાવનાર દ્વારા રોડ થી 30 કિમીની જગ્યામાં કાંસ ઉપર બાંધકામ કરાયું છે. અને સરકારી જમીનનું વેચાણ કરાઇ રહ્યું છે. આ અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વાઘોડિયામાં જર્જરીત સ્કૂલોના મકાનો નવા બનાવાય તેવી પણ રજૂઆત કરી હતી.
આરોગ્યલક્ષી સરકારી યોજનાઓનો લોકોને લાભ આપવા રજૂઆત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સંકલન સમિતિ સુધીમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે સંકલન સમિતિનો બહિષ્કાર કરીશું. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ચોમાસામાં તૂટેલા રસ્તાઓનું સમારકામ, આંગણવાડી અને શાળાના નવા મકાનો માટે તથા કરજણના ધારાસભ્યએ આરોગ્યલક્ષી સરકારી યોજનાઓનો લોકોને લાભ આપવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો -- VADODARA : રિંગરોડના નિર્માણ માટે રૂ. 316 કરોડની ફાળવણી