VADODARA : બંધ ફીડર્સ અને ટ્રાન્સફોર્મર્સ પાણી ઓસરતા દુરસ્ત કરાશે - MGVCL, MD
VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 72 કલાકથી વરસાદ અને પાણી ભરાઇ જવાથી પૂરની પરિસ્થિતી છે. તેવામાં વડોદરાના અનેક વિસ્તોરમાં વિજ સપ્લાય કરતા ચેઇનનો મહત્વનો ભાગ ગણાતા ફીડર્સ અને ટ્રાન્સફોર્મર્સ બંધ કરવામાં આવતા હજારો લોકો વિજળી વગર દિવસો કાઢી રહ્યા છે. ત્યારે આજે આ મામલે વિજ કંપની એમજીવીસીએલના એમડી દ્વારા વીડિયો જારી કરીને મહત્વનુું નિવેદન આપવામાં આવ્યું છે.
68 ફીડર્સ 365 ટ્રાન્સફોર્મર્સ ગઇ કાલ સવારથી બંધ
વિજ કંપની MGVCL ના MD તેજસ પરમારે જણાવ્યું કે, છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. ઘણાબધા વિજ ફીડર હતા, તેને ગઇ કાલ સુધીમાં અમે રીસ્ટોર કર્યા હતા. પરંતુ ગઇ કાલે સવારથી જ્યારે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં આવવા લાગ્યું, ત્યારે સુરક્ષાના ભાગરૂપે જે જે વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર-ફીડર છે, જે પાણીમાં સમાયા છે, તેવા 68 ફીડર્સ 365 ટ્રાન્સફોર્મર્સ ગઇ કાલ સવારથી બંધ કરેલા છે. ઘણા બધા તરફથી અમને ફીડર ચાલુ કરવા માટેની માંગ કરે છે. પરંતુ તેને ચાલુ કરવા જતા સુરક્ષાની મુશ્કેલી થાય. એટલા માટે આપણે ચાલુ નથી કરતા. ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર અને ફીડર પાણીમાં ગરકાવ છે. અને પાણી સતત વધી રહ્યું છે.
પાણી ઓસરશે તેવું સબસ્ટેશનનું ફીડર ચાલુ કરાશે
વધુમાં તેમણે જણાવ્યું કે, બીજુ અપડેટ પ્રમાણે ગઇ કાલે બપોરે 12 વાગ્યે ઓપી રોડના વિદ્યુત નગર સબ સ્ટેશનના પેનલરૂમાં પાણી ભરાવવાના કારણે આખુ સબસ્ટેશન બંધ કરવાની ફરજ પડી છે. તેમાંથી કુલ 27 ફીડરો નિકળે છે, જે અલકાપુરી, અકોટા, દિવાળીપુરા તથા આજુબાજુના વિસ્તારોમાં વિજ સપ્લાય કરે છે. તે સિવાય અટલાદરા સબસ્ટેશનમાં પાણી આવવાના કારણે તેને બંધ કરવું પડ્યું છે. જેથી આસપાસના ફીડર બંધ કરવામાં આવ્યા છે. જેવું પાણી ઓસરશે તેવું સબસ્ટેશનનું ફીડર ચાલુ કરાશે. જ્યાં લાઇટો બંધ છે, તે ફીડર-ટ્રાન્સફોર્મર સુધી પાણી જવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમ જેમ પાણી ઓસરશે, તેમ તેમ શરૂ કરાશે.
23 સબ ડિવિઝનની ટીમો કામ કરી રહી છે
આખરમાં તેમણે ઉમેર્યું કે, 7 હજાર મીટર બેઝમેન્ટમાં હોવાના કારણે તે પણ પાણીમાં ગરકાવ થયા હોવાની અમને શંકા છે. પાણી ઓસરતા તેનું પણ કામ કરીશું. આ માટે અમારી 23 સબ ડિવિઝનની ટીમો કામ કરી રહી છે. જ્યાં વિજ પુરવઠો ચાલુ છે ત્યાં પણ એક - એક ફરિયાદ દુર કરવાનું કામ ચાલું છે. કંપનીનો તમામ સ્ટાફ મહત્તમ કામ કરી રહ્યું છે. પાણી ઓસરશે તુરંત જ અમે વિજ પુરવઠો દુરસ્ત કરીશું.
આ પણ વાંચો -- VADODARA : આગામી 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે, એક્શન પ્લાન તૈયાર - ઋષિકેશ પટેલ