VADODARA : માનસિક અસ્વસ્થ આધેડને બેરહેમીપૂર્વક મારતા મોત, 5 ની ધરપકડ
VADODARA : વડોદરા (VADODARA) ના કલાલી વિસ્તારમાં દિવાળીની રાત્રે સ્થાનિકોએ માનસિક અસ્વસ્થ આધેડ જોડે બોલાચાલી થયા બાદ તેનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત આધેડ નજીકમાં ભાથુજી મહારાજના મંદિરે જતા રહ્યા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે અટલાદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધ્યો છે, અને આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પરિવારે તેમની શોધખોળ શરૂ કરી
શહેરના કલાલી વિસ્તારમાં રહેતા મંગળભાઇ (ઉં. 45) દિવાળીની રાત્રે ઘરેથી કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ ચાલતા જતા લોકોને અપશબ્દોને બોલતા હતા. તેવામાં કોઇની પણ જોડે ઝઘડો કરી દેતા હતા. દરમિયાન તેઓને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યા બાદ તેઓ નજીકના ભાથુજી મહારાજના મંદિરે જતા રહ્યા હતા. અને ત્યાં તેઓ સુઇ ગયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ લાંબા સમય સુધી માનસિક અસ્વસ્થ આધેડ પરત ના આવતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. તેવામાં તેમનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘરમાં કેદ કરીને રાખવામાં આવતા હતા
ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી, અને ગુનો નોંધીને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં માનસિક અસ્વસ્થ આધેડને માર મારવા મામલે 5 આરોપીઓ ઘનશ્યામ કચરાભાઇ રાઠોડિયા, ભગવાનદાસ કચરાભાઇ રાઠોડિયા, હરિશ ઘનશ્યામભાઇ રાઠોડિયા, કરણ ભગવાનદાસ રાઠોડિયા અને નરેશ ઘનશ્યામભાઇ રાઠોડિયા (તમામ રહે, રાઠોડિયા વાસ, કલાલી - વડોદરા) ને દબોચી લેવામાં આવ્યા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આધેડની માનસિક સ્થિતી સારી ના હોવાના કારણે ઘરમાં કેદ કરીને રાખવામાં આવતા હતા. તેઓને માત્ર કુદરતી હાજતે જવા માટે જ ખોલવામાં આવતા હતા. અને તે દરમિયાન જ આ ઘટના ઘટી છે.
આ પણ વાંચો -- VADODARA : જાહેર રોડ પર તમાશો કર્યા બાદ પોલીસ મથકમાં કાન પકડી લીધા