VADODARA : ભરથાણા ટોલ પ્લાઝા પર ફી વધારા સામે આંદોલનના મંડાણ
VADODARA : તાજેતરમાં દેશના સૌથી કમાઉ કરજણ-ભરથાણા ટોલનાકા સહિત અન્યત્રે ટોલ ફીમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેની સામે હવે આંદોલનની જાહેરાત કરી દેવામાં આવી છે. બિન રાજકીય કાર્યક્રમ હેઠળ 11, એપ્રિલના રોડ વિરોધ કરવામાં આવનાર છે. ટોલમાં ભાવ વધારો પરત ખેંચવાની સાથે જીજે - 06 પાર્સીંગના કારને ટોલમાંથી મુક્તિ આપવા સહિતની માંગો સાથે અંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. પદયાત્રા સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. (PEOPLE OPPOSE KARJAN - BHARTHANA TOLL PRICE HIKE - VADODARA)
સોશિયલ મીડિયા થકી સામે આવેલા પોસ્ટરમાં જાણવા મળ્યું
તાજેતરમાં વડોદરાથી ભરૂચ જતા તરફ આવતા કરજણ-ભરથાણા ટોલ નાકા પર રૂ. 5 થી લઇને રૂ. 15 સુધીનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આંદોલનના મંડાણ થયા છે. કરજણ-ભરથાણા ટોલ નાકું દેશનું સૌથી વધુ કમાણી કરાવતું ટોલ પ્લાઝા છે. 11, એપ્રિલના રોજ આ વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કરજણ - ભરથાણા ટોલનાકાથી પદયાત્રા નીકળીને કરજણમાં આવેલી રાષ્ટ્રીય પ્રતિમાની ફૂલહાર વિધિ કરીને કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપશે, તેવું સોશિયલ મીડિયા થકી સામે આવેલા પોસ્ટરમાં જાણવા મળ્યું છે.
.........ત્યારે વાહનોને ટોલ ફ્રી જવા દેવા માટેની માંગ
પોસ્ટરમાં જણાવ્યા અનુસાર, આંદોલનકારીઓ દ્વારા વડોદરા જિલ્લાના જીજે - 06 પાર્સીંગ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવા તેમજ સર્વિર રોડ બનાવવા જણાવાયું છે. સાથે જ સરકારના ગેઝેટ મુજબ વધારવામાં આવેલો ટોલ દર પરત ઘટાડવાની માંગ કરાઇ છે. તથા 100 મીટરની લાઇનને દોરી જામ થાય ત્યારે વાહનોને ટોલ ફ્રી જવા દેવા માટેની માંગ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળશે તેવી આશા
વધુમાં પોસ્ટરમાં લખ્યું છે કે, વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને ટોલ મુક્તિ તથા એલ એન્ડ ટી અને ભારત સરકાર વચ્ચે ટોલ પ્લાઝાનો કરાર પૂર્ણ થઇ ગયા બાદ દરો યથાવત રાખ્યા છે. તે ઘટાડવામાં આવે તે માટે મોટી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ એક બિનરાજકીય કાર્યક્રમના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો પોસ્ટરમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસીક ધરોહરમાં ઉમેરાયું ડાયનેમીક ફસાડ લાઇટીંગનું આકર્ષણ