VADODARA : વિજ કનેક્શન આપવા MGVCL ના એન્જિનીયરે રૂ. 10 હજારની લાંચ સ્વિકારી
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા MGVCL ના કરજણ સબ ડિવીઝનમાં સેવારત જુનિયર એન્જિનીયર દ્વારા ખેતીલાયક જમીનમાં વિજ કનેક્શન આપવા માટે રૂ. 10 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ મામલે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોવાના કારણે તેમણે એન્ટી કરપ્શન બ્યુરોમાં આ અંગે જાણ કરી હતી. આજે વિજ કંપનીના એન્જિનીયરને રંગેહાથ લાંચ સ્વિકારતા ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અનેક વખત એસીબીની ટ્રેપમાં અધિકારીઓને ઝડપ્યા બાદ પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.
અરજી બાદ ક્વોટેશન ફી પણ ભરવામાં આવી હતી
સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદીએ વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા હોય સદરી જમીનમાં નવું વિજ કનેકશન મેળવવા સબ ડિવિઝન કરજણ-૨ ખાતે અરજી કરી હતી. ત્યાર બાદ કવોટેશન મુજબ ફી ભરવામાં આવી હતી. છતાં વિજ કનેકશન આપવામાં ના આવતા (MGVCL) સબ ડિવિઝન કરજણ-૨ ના જુનિયર એન્જિનીયર જયમીતકુમાર મહેશભાઇ પટેલને મળીને રજુઆત કરી હતી. બાદમાં એન્જિનીયરે નવુ વિજ કનેકશન આપી ટી.સી. (ટ્રાન્સફોર્મર) જગ્યાની ઉપર મુકાવવા અને વિજ કનેકશન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી.
જાહેર રોડ ઉપર લાંચની રકમનો સ્વિકાર
જો કે, લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલેજ ને.હા.રોડ નં.૪૮ ઉપર આવેલ સ્વામી નારાયણ ફેમેલી રેસ્ટોરન્ટના ગેટની સામે જાહેર રોડ ઉપર એન્જિનીયર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર એસીબીની ટ્રેપમાં આબાદ ઝડપાઇ ગયો હતો. સમગ્ર ટ્રેપ એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા સુરત ગ્રામ્ય એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તેનું સુપરવિઝન આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વોર્ડ કચેરીમાં અધિકારીની કેબિન બહાર દુષિત પાણી ઢોળી વિરોધ