VADODARA : વિજ ટ્રાન્સફોર્મર સળગી ઉઠતા અંધારપટ છવાયો
VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં આવેલા દિપીકા ગાર્ડન પાસેના પાર્શ્વ પ્રાર્થના ફ્લેટ્સ પાસેના વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કાળી ચૌદસની રાત્રે અંધારપટ છવાયો હતો. આગ લાગવાના કારણે સ્થાનિકોમાં ભારે ભયની લાગણી વ્યાપી જવા પામી હતી. જો કે, ઘટના અંગે ફાયર બ્રિગેડ અને વિજ કંપનીને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગ ફટાકડાને કારણે લાગી હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આગ ઓલવવાની પ્રક્રિયા બાદ પણ લાંબા સમય સુધી વિજ પુરવઠો ખોરવાયો હતો. જેથી કાળી ચૌદસની રાત્રીએ વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
આગ આસપાસના સુકા કચરા અને ઝાડ સુધી ફેલાઇ હતી
દેશભરમાં દિપાવલી નિમિત્તે ફટાકડા ફોડી, રોશની કરી તથા રંગોળી બનાવીને પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ફટાકટા ફોડતી વખતે સાવચેતી રાખવામાં ના આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે. આવી જ એક ઘટના કારેલીબાગ વિસ્તારમાં આવેલી દિપીકા ગાર્ડન પાસે ઘટી હતી. અહિંયા આવેલા પાર્શ્વ પ્રાર્થના ફ્લેટ્સ પાસે વિજ કંપનીનુ ટ્રાન્સફોર્મર આવેલું છે. ગતરાત્રે અચાનક ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. જે આગ આસપાસના સુકા કચરા અને ઝાડ સુધી ફેલાઇ હતી. આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ ફાયર અને વિજ કંપનીને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. દરમિયાન લાંબા સમય સુધી વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
આગ ફટાકડાના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું
સ્થાનિક મીનેષ પંડ્યાએ મીડિયાને જણાવ્યું કે, અમારા સગા-વ્હાલા અહીંયા રહેતા હોવાથી અમે દોડી આવ્યા છીએ. આગ લાગી છે. ફાયર બ્રિગેડ અને વિજ કંપનીની ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ ફટાકડાના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. તમામને ફટાકડા ફોડતી વખતે બાળકો, ઇલેક્ટ્રીક ઉપકરણોને દુર રાખવા જોઇએ.
આ પણ વાંચો -- Surat : જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા તો કડક કાર્યવાહી માટે રહેજો તૈયાર! પો. કમિશનરની ચેતવણી!