VADODARA : ચાર દરવાજાની જ્વેલરી શોપમાંથી તસ્કરો આખી તિજોરી ઉઠાવી ગયા
VADODARA : વડોદરા (VADODARA) ના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી લાડલા જ્વેલર્સ નામની શોપમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો નકુચા તોડ્યા વગર જ શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉંચકીને લઇ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે. જેને પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા છે. સાથે જ તસ્કરો ચાંદીની મૂર્તિઓ પણ લઇ ગયા છે. પોલીસ પોઇન્ટથી ગણતરીના ડગલાં દુર તસ્કરોએ તરખાટ મચાવીને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.
શટર તોડીને પ્રવેશ્યા
વડોદરામાં દિવસેને દિવસે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા હતા. હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરાત્રે તસ્કરોએ ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે. બાદમાં અંદરનો દરવાજો તેમણે કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. બાદમાં શોપમાં મુકેલી ભારે વજનદાર તિજોરી (સેફ હાઉસ) તથા ચાંદીની મૂર્તિઓ લઇને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઇ છે. પોલીસ પોઇન્ટથી ગણતરીના ડગલાં દુર આ ઘટના બનવાને પગલે વેપારીઓમાં ભારે ડર ફફડાટ પેંસી જવા પામ્યો છે.
આટલી ભારી તિજોરી કેવી રીતે તોડીને ગયા !
લાડલા જ્વેલર્સના દિપકભાઇ લાડલા જણાવે છે કે, મને સવારે 6 વાગ્યાના આરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી. તેમણે કહ્યું કે, દુકાનમાં કઇ થયું છે, તમે આવીને જોઇ લો. મેં આવીને જોયું તો બધુ જેમ તેમ હતું. તિજોરીમાં રૂ. 1.50 લાખ હતા. અને ચાંદીનો રૂ. 50 હજારથી વધુનો સામાન ગાયબ છે. આશરે રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે. મારી શોપમાં બીજી વખત ચોરી થઇ છે. અગાઉ વર્ષ 2009 માં ચોરીની ઘટના સામે આવી હતી. અને આજે ચોરી થઇ છે. આ અંગેની જાણ સોની બજારને એસોસિયેશનને પણ કરવામાં આવી છે. બધાને સવાલ છે કે, આટલી ભારી તિજોરી કેવી રીતે તોડીને ગયા ! કોઇને ખબર નથી. આજુબાજુમાં સીસીટીવી નથી, કે આપણને ખબર પડે.
વેપારીઓ ફફડી ઉઠ્યા
અન્ય વેપારી ફારૂકભાઇ સોની જણાવે છે કે, આ વડોદરા શહેરના ચાર દરવાજાનો ભરચક વિસ્તાર છે. પોલીસ પોઇન્ટથી 50 ડગલાં દુર જ આ દુકાન આવેલી છે. અહિંયા સોનીની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં નાની તિજોરી ઉંચકીને લઇ ગયા છે. લગભગ રૂ. 2.50 લાખની ચોરી થઇ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. વેપારીઓમાં આ ચિંતાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે ફફડી ઉઠ્યા છે. ચાર દરવાજા વિસ્તારમાં પોળો, સોનીની દુકાનો આવેલી છે. પોલીસ કમિશનર, ડીસીપીને વિનંતી કે, મોડી રાત્રે પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવે.
આ પણ વાંચો -- VADODARA : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટનું જણાવી રૂ. 14.19 લાખનો ચુનો ચોપડ્યો