VADODARA : સાત આરોગ્ય કેન્દ્ર NQAS ના માપદંડો પર ખરા ઉતર્યા
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત કુલ સાત આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર વાસણા, સિતપુર, ચિત્રાલ, આમલીયારા, કોયલી-૨, ઉતરજ, મુવાલને દિલ્હીની NHRC (National Health Resource Center) ની ટીમ દ્વારા એસેસમેન્ટ કરાવ્યા બાદ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને લઈ પ્રમાણપત્ર એનાયત કરાવ્યા છે.
દિલ્હીની ટીમ દ્વારા એસેસમેન્ટ
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું દિલ્હીની ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.
નેશનલ લેવલનું સર્ટિફિકેટ પ્રાપ્ત
જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. હેમસિંગ રાઠોડ તેમજ સબંધિત કેન્દ્રોના તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, પેરા મેડિકલ સ્ટાફ તેમજ સી.એચ.ઓ. સહિત કેન્દ્રોના સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓને ધ્યાને લઈને જિલ્લાના વાસણા ૯૫.૯૭ ટકા, સીતપુર ૯૨.૯૯ ટકા, ચિત્રાલ ૮૬.૫ ટકા, આમલીયારા ૯૪ ટકા, કોયલી-૨ ૮૯.૮૭ ટકા, ઉતરાજ ૮૮.૩૧ ટકા અને મુવાલ ૯૨.૪૭ ટકા સ્કોર મેળવીને આ ૦૭ આયુષ્યમાન આરોગ્ય મંદિરોને સ્કોર મેળવીને નેશનલ લેવલનું આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.
૧૨ માપદંડોની ચકાસણી
અત્રે નોંધનીય છે કે આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાની પ્રસૂતિ પછીની સંભાળ, નવજાત શિશુની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર-કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ, રોગચાળો દરમિયાન આપવાની થતી સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ કાર્યક્રમ તેમજ ઓ.પી.ડી.ની સેવાઓ, ડિલિવરી સેવાઓ સહિત તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ગુણવત્તાના ૧૨ માપદંડો ચકાસીને નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ દ્વારા નેશનલ કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સાંસદે શહેરીજનોના અવાજને સંસદ ગૃહમાં રજૂ કર્યો