VADODARA : હરણી બોટકાંડને 6 મહિના વિત્યા, ન્યાયની માંગ સાથે પરિવારના ધરણા
VADODARA : વડોદરા (VADODARA) ની ગોઝારી ઘટના હરણીબોટકાંટ (HARNI BOAT ACCIDENT) ને 6 મહિના વિત્યા છે. આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. છતાં પરિવારને કોઇ ન્યાય નહી મળતા આજે કોંગ્રેસના આગેવાનો સાથે ગાંધીનગર ગૃહ બહાર મહાત્મા ગાંધીજીની પ્રતિમા નીચે પરિજનોએ ધરણા કર્યા છે. જો કે, આ અંગે કોંગ્રેસને પોલીસ મંજુરી મળી ન્હતી. મૃતકના પરિજને જણાવ્યું કે, કોર્ટ કડકાઇ દાખવી રહી છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ પર કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. ભ્રષ્ટાચારની અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ છે. ધરણા પ્રદર્શન શરૂ થયાના ગણતરીના સમયમાં જ પોલીસે આવીને કોંગી આગેવાનોની અટકાયત કરી છે.
તાત્કાલીક પદ પરથી બદખાસ્ત કરો
આ તકે મૃતકના પિતા જણાવે છે કે, માનનીય હાઇકોર્ટે કહ્યું છે કે, કડક પગલાં લો. પરંતુ અત્યાર સુધી શું કડક પગલાં લેવાયા ! હજી ડો. વિનોદ રાવ (તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર) તેમના પદ પર છે. કમસે કમ તેમને તાત્કાલીક પદ પરથી બદખાસ્ત તો કરો ! એટલું તો તમે કરી જ શકો છો. તમારી ઘરે સંતાનો નથી ! જેનો ભ્રષ્ટાચાર આખુ ગુજરાત જાણી ગયું છે, તો પણ તમે પગલાં નથી લેતા. કોર્ટે ચોખ્ખુ કહ્યું છે કે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. અત્યાર સુધી તમે તેને કેમ છાવરી રહ્યા છો. મારૂ દુખ તે જ છે એટલે અમે આજે ધરણા પર બેઠા છે.
ફરિયાદી જ આરોપી છે
વધુમાં તેમણે ઉમેર્યું કે, કોર્ટે આદેશ આપ્યા પણ તેમના પર કોઇ કાર્યવાહી થતી નથી. લાગતું નથી કે તેમની સામે દાખલો બેસે તેવી કોઇ કાર્યવાહી થઇ હોય. શાળા સંચાલકો પર તો ગુનો દાખલ થવો જોઇએ. તેમનો પણ પાલિકા અને લેકઝોન વાળા જેટલો જ વાંક છે. કારણકે તે લોકોએ ત્યાં જઇને કોઇ તપાસ કરી ન્હતી, ત્યાં સેફ્ટીના સાધનો છે કે નહી તે કશું જોયું ન્હતું. પ્રવાસ સમયે માત્ર મહીલાઓ જ હાજર હતી. મહીલાઓ કેટલું કરી શકે ! અમે પહેલા દિવસથી કહી રહ્યા છે કે, ફરિયાદી જ આરોપી છે. તે તાજેતરમાં સાબિત પણ થઇ ગયું છે. સામાન્ય સભાને પણ અમારી દરખાસ્ત છે કે, કડક કાર્યવાહી થવી જોઇએ.
અમારૂ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે
શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વીજ જોશી જણાવે છે કે, લોકશાહી ઢબે અમે મહાત્મા ગાંધીજીના ચરણ પાસે અમે બેઠા છે. માનવ સર્જીત હત્યાકાંડમાં બાળકોએ જીવ ગુમાવ્યો છે. હાઇકોર્ટમાંથી ન્યાય મળી રહ્યો છે. પરંતુ સ્થાનિક કક્ષાએથી શાળાના સંચાલકો, મોટા અધિકારીઓ અને નેતા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારૂ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે છે. ભાજપના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય પર આવીને વિરોધ કરે તો કેસ નહી થાય. પોલીસ હાથો બનીને કામ કરતી હોય તેમ લાગે છે. અમે ધરણા માટે મંજૂરી માંગી હતી, પરંતુ તે આપવામાં આવી નથી.
કાયદાનું ઉલ્લંઘન કરીને ધરણા
એસીપી રાઠવા જણાવે છે કે, હરણી બોટકાંટની 6 માસિક પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન માટે મંજુરી માંગી હતી. પરંતુ આ વિસ્તાર છે, ભીડભાડ વાળો હોવાથી, ટ્રાફીકની સ્થિતીના કારણે તેમને મંજુરી આપવામાં આવી નથી. તેમ છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને તે લોકો ધરણા પર બેઠા હતા. અમે 6 - 7 લોકોને ડિટેઇન કર્યા છે. કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- Bilimora : કાગળ પર 90 પ્રોજેક્ટ દર્શાવી કરોડોનું કૌંભાડ...10ની ધરપકડ