VADODARA : જાહેર રોડ પર તમાશો કર્યા બાદ પોલીસ મથકમાં કાન પકડી લીધા
VADODARA : દિવાળી (DIWALI - 2024) ટાણે વડોદરાના ગોરવા વિસ્તારમાં ફટાકડા ફોડવા માટે થયેલી માથાકુટમાં યુવકોએ સ્થાનિકો જોડે મગજમારી કરી હતી. અને કાર રોડ પર આમતેમ ચલાવીને તમાશો કર્યો હતો. આખરે આ મામલો પોલીસ મથક પહોંચતા જ બે યુવકોએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી. આમ, ગોરવા પોલીસે ત્વરિત કામગીરીને પગલે ગણતરીના કલાકોમાં જ યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, યુવકની કાર પર સાંસદ લોકસભા લખેલું સ્ટીકર મારવામાં આવ્યું હતું. અને અટકાયત કરાયેલા પૈકી એક પૂર્વ સાંસદનો પરિચીત છે.
મારામારી બાદમાં હોકી સ્ટીક વડે સપાટા બોલાવવામાં આવ્યા
31 ઓક્ટોબર ના રોજ રાત્રીના સમયે ગોરવા વિસ્તારની શુભમ રેસીડેન્સી સામે કરોડિયા રોડ પર ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થઇ હતી. જેમાં પ્રથમ છુટ્ટા હાથે મારામારી બાદમાં હોકી સ્ટીક વડે સપાટા બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત થયેલા શખ્સ દ્વારા ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ ટીમોએ હ્યુમન રિસોર્સના આધારે આ ઘટનામાં સામેલ બે યુવકો કૌશિક મનોરંજન પાંડા (રહે. શુભણ પાર્ક, લાભ રેસીડેન્સી, ગોરવા-વડોદરા) અને નદિમ જમાલખાન (રહે. રોયર રેસીડેન્સી, ગોરવા, શાકમાર્કેટ સામે, વડોદરા) ને શોધી કાઢ્યા હતા. તે પૈકી કૌશિક મનોરંજન પાંડા (રહે. શુભણ પાર્ક, લાભ રેસીડેન્સી, ગોરવા-વડોદરા) એ દારૂનું સેવન કર્યું હોવાથી તેની સામે અલગથી ગુનો નોંધવામાં આવનાર છે.
કાન પકડીને ઉઠક બેઠક કરી
જાહેરમાં ઉત્પાત મચાવનારા યુવકોને પોલીસ મથકમાં લાવી, કાયદાનું ભાન કરાવતા તેઓએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ યુવકો જે કારમાં હતા, તેના પર સાંસદ લોકસભાનું સ્ટીકર મારવામાં આવ્યું હતું. બે યુવકો પૈકી એક પૂર્વ સાંસદનો પરિચીત છે. જો કે, આ કિસ્સામાં પોલીસે ત્વરિત એક્શન લેતા આવા તત્વોનું ફાવતું નહીં ચાલે તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.
આ પણ વાંચો -- Air Pollution ના મામલે દિલ્હી બન્યું ગુજરાતનું ગાંધીનગર, 197 AQI નોંધાયો