VADODARA : બોટ માટે નાણાં એકત્ર કરવા પૂર પીડિતે સોનું ગીરવે મુક્યુ
VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂર (FLOOD) ની પરિસ્થીતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને દોરડા, તરાપા અને ટ્યુબ વસાવી લેવાની ડહાપણભરી સલાહ આપવામાં આવી હતી. તેને ગંભીરતાપૂર્વક લઇને આજે વડોદરાના પૂર પીડિત શખ્સે પત્નીનું મંગલસુત્ર, તથા વીંટી ગીરવે મુકીને બોટના પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે. શખ્સે ડો. શિતલ મિસ્ત્રીની વાત લોકોએ ગંભીરતા પૂર્વક લેવી જોઇએ તેવું જણાવ્યું છે. આખરમાં પૂર પીડિતે કાયેક બોટની નોંધણી કરાવી દીધી છે. જેની ડિલીવરી 15 દિવસ બાદ મળશે તેમ તેમણે જણાવ્યું છે.
સલાહને પૂર પીડિતે ગંભીરતાથી લીધી
વડોદરા ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થીતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે એક તરફ પૂરગ્રસ્ત લોકોને સારવાર માટે સરકાર દ્વારા સહાય પહોંચાડવા માટે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ પૂર સમયે લોકોની મદદે પહોંચવામાં નિષ્ફળ પાલિકા તંત્રના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને પૂર સમયે મદદ માટે દોરડા, ટ્યુબ અને તરાપા વસાવી લેવાની હાસ્યાસ્પદ સલાહ આપવામાં આવી હતી. આ સલાહને પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે ગંભીરતાથી લીધી છે. અને આજે સવારે પત્નીનું મંગલસુત્ર, વીંટી ગીરવે મુકીને તેના પૈસાથી બોટ લેવાનો પ્રયત્ન કર્યો છે.
મારૂ સોનું ગોલ્ડ લોન માટે ગીરવે મુકવા આવ્યો છું
વડોદરાના પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ મારા પત્નીનું મંગળસુત્ર છે, તેની વીંટી અને મારી વીંટી છે. એક મહિનાથી કોઇ પગાર થયો નથી. આવક નથી. (સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી) સાહેબે કહ્યું કે, તમારે તરાપાને બધુ રાખવું પડશે. આપણે ત્યાં ગમે ત્યારે વરસાદ પડે છે. તો હું મારૂ સોનું ગોલ્ડ લોન માટે ગીરવે મુકવા આવ્યો છું. મારૂ ઘર વિશ્વામિત્રી નદીના કિનારે સામ્રાજ્યમાં આવેલું છે. તેમાં પાણી પહેલું આવી જાય છે.
ડો. શિતલ મિસ્ત્રીએ કાળજીપૂર્વક કહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, ગમે ત્યારે પાણી અડધી રાત્રે આ લોકો કહ્યા વગર છોડી રહ્યા છે. તંત્રએ તો કહ્યું કે, તમે આ બધું લાવી દો. એક કોર્પોરેટર તરીકે આપણે તેમની વાત માનવી જ પડે. ચેરમેન કોઇ વિસ્તારના કોર્પોરેટર છે, તેમને તેમની પબ્લીકની પડેલી છે, જેથી તેઓ બોલી રહ્યા છે. ડો. શિતલ મિસ્ત્રીએ કાળજીપૂર્વક કહ્યું છે. તેમાં કશું ખોટું ના લગાડવાનું હોય. આટલા પૈસા જાય છે ટેક્સ વગેરેમાં. વરસાદ પડ્યો અને મારે આવક પણ નથી. એટલે આ નોબત આવી છે.
પરિવારની સલામતી માટે મેં કાયેક બોટ ખરીદી લીધી છે
બાદમાં બોટની ખરીદી બાદ તેમણે જણાવ્યું કે, મેં રૂ. 40 હજારનું કાયેક ખરીદ્યું છે. મોટી બોટ માટેનો ઓર્ડર આપ્યો છે. તે આવશે એટલે તેને ખરીદીશું. પરિવારની સલામતી માટે મેં કાયેક બોટ ખરીદી લીધી છે. વિશ્વામિત્રી નદીનું પાણી 25 ફૂટ થાય એટલે અમારી સામ્રાજ્ય સોસાયટીમાં પાણી આવી જાય છે. જેમ જેન નદીનું સ્તર વધે તેમ તેમ અમારે ત્યાં પાણીનું સ્તર વધતું જાય છે. આ કાયેક બોટની ડિલીવરી 15 દિવસમાં મળી જશે.
આ પણ વાંચો -- VADODARA : તસ્કરો દુકાનમાંથી ચણીયા ચોળી અને ડ્રેસ મટીરીયલ સાફ કરી ગયા, વેપારીને મોટો ફટકો