VADODARA : કેદારનાથમાં 5 લોકો સલવાયા, સંપર્ક થતા હાશકારો
VADODARA : કેદારનાથ (KEDARNATH) માં દર્શને ગયેલા અસંખ્ય લોકો પૈકી શહેરના પાંચ યુવકો વાદળ ફાટવાના કારણે ફસાયા હતા. જો કે, આજે પરિવાર જોડે તેમનો સંપર્ક થતા તમામ સહી સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા લેવા માટે વાટ જોવી પડે તેમ હોવાથી તમામ પગપાળા પરત ફરી રહ્યા છે. દરમિયાન કૈલાશ પોહાનીએ તેમના પરિજન સાથે વાત કરતા જણાવ્યું કે, હમ સબ બચ ગયે હૈ, થોડી દિક્કત હૈ, હમ ઘર આ જાયેંગે.
પરિજનો ચિંતીત હતા
હાલ કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે ભારે મુશ્કેલી સર્જાઇ છે. જેને કારણે કેદારનાથ ગયેલા લોકો મોટી સંખ્યામાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં વડોદરાના પોહાની પરિવારના મોભી તેમના મિત્રો સાથે કેદારનાથ ગયા હતા. તેમણે અડધો સફર ખેડતા વાદળ ફાટ્યું હતું, જેમાં તમામ સલવાયા હતા. અને પરિવાર સાથેનો સંપર્ક તુટ્યો હતો. જેને લઇને પરિજનો ચિંતીત હતા. પરંતુ આજે સવારે ફરી કૈલાશ પોહાની સાથે સંપર્ક થયો છે. અને તેઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ પગપાળા પાછા ફરી રહ્યા છે. દરમિયાન તેમને સ્થાનિકો અને સ્થાનિક પોલીસની મોટી મદદ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાદળ ફાટવાના કારણે ફસાઇ ગયા
મહિલા અંજલી પોહાનીએ જણાવ્યું કે, હમણાં (ફોન પર) તેમણે જણાવ્યું કે ચિંતા જેવું કંઇ નથી. ખતરો ટળી ગયો છે. તેમણે કહ્યું કે, કપરો રસ્તો પાર કરી લીધો છે. સ્થળના દ્રશ્યો ડરાવના હતા. તે તેમણે નજરે જોયું હતું. તે લોકો કેદારનાથ ગયા હતા. અહિંયાથી તેઓ હરીદ્વાર ગયા હતા. અને ત્યાંથી કાર કરીને તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ ત્યાં પહોંચીને અડધો રસ્તો પાર કર્યો ત્યાં વાદળ ફાટવાના કારણે ફસાઇ ગયા. ત્યાં પોલીસ કર્મીઓ દ્વારા તેમની મદદ કરવામાં આવી હતી. હાલ તમામ સુરક્ષીત છે. માતા પતિ, જેઠ, અને તેમના ત્રણ મિત્રો ત્યા ગયા હતા. પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યૂ માટે ખુબ મદદ કરી હતી. ઉત્તરાખંડના લોકોએ પણ ઘણી મદદ કરી છે.
બાળકો પણ હવે ચિંતામુક્ત
વધુમાં તેમણે જણાવ્યું કે, હવે તેઓ સુરક્ષીત છે તેવું જાણતા અમે નિશ્ચિંત બન્યા છીએ. આજે સવારે તેમની જોડે સારી રીતે વાત થઇ છે. હેલીકોપ્ટરની મદદ મેળવવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે તેમ છે. એટલે તેઓ પગપાળા જ વધુ પ્રયત્ન કરી રહ્યા છે. સ્થાનિકોએ પણ ચાલીને જવાની વાત પર જ ભાર મુક્યો હતો અને તે પ્રમાણે સમજ આપી હતી. કૈલાશ પોહાની ત્યાં છે. બાળકો પણ હવે ચિંતામુક્ત બન્યા છે. જ્યાં સુધી વાત ન્હતી થઇ ત્યાં સુધી અમે ચિંતામાં હતા.
આ પણ વાંચો -- VADODARA : સ્થળ મુલાકાત લઇ પ્રશ્નો હલ કરવાની દિશામાં ધારાસભ્યનો પ્રયાસ