VADODARA : બોગસ એપ્લીકેશનથી ગઠિયો ઠગી ગયો
વડોદરા (VADODARA) માં આરઓનું વેચાણ કરનાર વેપારીને ગઠિયો બોગસ એપ્લીકેશન થકી ઠગી ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ વેપારીના ધ્યાને આવ્યું કે, ફેક એપ્લીકેશન (FAKE APPLICATION) મારફતે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. અને આ જ પ્રકારે અન્ય એક આરઓના વેપારી સાથે પણ છેતરપિંડી થઇ છે. જે મામલે વેપારીએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ માંજલપુર પોલીસ (MANJALPUR POLICE STATION) મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અજાણ્યા શખ્સે આરો પસંદ કરી તેની કિંમત વિશે જાણ્યું
માંજલપુર પોલીસ મથકમાં રોહિત કુમાર યાદવ (ઉં. 30) (રહે. વિશ્વામિત્રી ટાઉનશીપ, માંજલપુર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ આરઓ સેલ્સ અને સર્વિસ સેન્ટર ચલાવે છે. 5, માર્ચના રોજ સાંજે સર્વિસ સેન્ટર પર અજાણ્યો ઇસમ આવીને આરઓ ખરીદવાનું જણાવે છે. જેથી તેઓ વિવિધ પ્રકરાના આરઓ બતાવવામાં આવે છે. અજાણ્યા શખ્સે આરો પસંદ કરી તેની કિંમત વિશે જાણ્યું હતું.
અન્ય એક વોટર કેર કંપનીમાં પણ આ જ પ્રકારે ફ્રોડ
તેણે ક્યુઆર કોડ બતાવી પેમેન્ટ કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરી હતી. અને ક્યુઆર કોડ થકી રૂ. 9,700 નું પેમેન્ટ થઇ ગયું હોવાનું જણાવીને સામાન લઇ ગયો હતો. જે બાદ તેમને પેમેન્ટચ થવા અંગે કોઇ પણ મેસેજ આવ્યો ન હતો. આ વાત ધ્યાને આવતા અજાણ્યા શખ્સને કારમાં બેસીને રોકવા જતા તે જતો રહ્યો હતો. તેની પાછળ જતા તેની કોઇ નક્કર ભાળ મળી ન હતી. જે બાદ રોહિત કુમાર યાદવના ધ્યાને આવ્યું કે ફેક એપ્લીકેશન આવતી હોય છે. જે મારફતે વિશ્વાસઘાત થયો હોવાનું જાણ્યું હતું. પછી વધુમાં તે પણ જાણ્યું કે, અન્ય એક વોટર કેર કંપનીમાં પણ આ જ પ્રકારે રૂ. 13 હજારનો ફ્રોડ કરવામાં આવ્યો હતો.
અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
આખરે ઉપરોક્ત બંને ફ્રોડ મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો જણાવી રહ્યા છે કે, આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.