VADODARA : સ્વ. અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભામાં પૂર્વ ક્રિકેટર, BCCI અગ્રણી અને DGP હાજર
VADODARA : 31, જુલાઇ 2024 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડ (EX CRICKETER ANSHUMAN GAEKWAD) નું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમને કેન્સરની બિમારીનું નિદાન થતા તેઓ વિદેશથી સ્વદેશ પરત ફર્યા હતા. દરમિયાન તેમની સારવાર માટે કપિલ દેવ તથા અન્ય એક સમયના અન્ય સાથી ક્રિકેટરો દ્વારા બીસીસીઆઇને ભલામણ કરવામાં આવતા રૂ. 1 કરોડની સહાય કરવામાં આવી હતી. આજરોજ વડોદરામાં તેમની પ્રાર્થના સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ક્રિકેટર અને સાથી સુનિલ ગવાસ્કર, કપિલ દેવ, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિતના અન્ય મહાનુભવો જોડાયા છે.
નાનપણથી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલુ થઇ
આ તકે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, આજરોજ વડોદરા ખાતે અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભામાં સંમિલિત થવા, અને ગુજરાત પોલીસ પરિવાર વતી શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું વડોદરા આવ્યો છું. આપણે જાણીએ છીએ કે, અંશુમન ગાયકવાડ માત્ર ગુજરાત નહિ, દેશ માટે નહિ આંતરરાષ્ટ્રીય રમત ગમતમાં તેમનું સ્થાન હતું. અને લોકો આજે પણ તેમને યાદ કરે છે. તેમની કારકિર્દીને યાદ કરે છે. તેમણે રમત-ગમતના માધ્યમથી દેશની સેવા આપી છે, ક્રિકેટર અને કોચ તરીકે આપણે સૌનો આદર અને સન્માન છે. હું પોતે પણ રમત-ગમતમાં ખુબ રસ છે. નાનપણથી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલુ થઇ, ત્યારે હું 7 - 8 વર્ષનો હતો. ત્યારથી અંશુમન ગાયકવાડની કારકિર્દીને અનુસરું છું. પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો છે. તેમની સેવા બધાયને સ્મરણમાં રહેશે.
6 - 8 મહિના પહેલા મળ્યા હતા
વડોદરાના રાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, અંશુમાન ગાયકવાડ દેશના જાણીતા ક્રિકેટર હતા. ખાસ કરીને તે સમયે ક્રિકેટમાં હેલમેટ ન્હતા ત્યારે તેઓ રમતા હતા. વેસ્ટ ઇન્ડિઝની ફાસ્ટ બોલીંગ હતી, તેમણે તે સમયે બોલીંગ ફેસ કર્યું અને રમ્યા. આજે પણ લોકો તેમને યાદ કરે છે. વડોદરાને તેમને ઘણો લાભ મળ્યો છે. બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે તેમનું મોટું યોગદાન હતું. ક્રિકેટ પછી તેઓ સિલેક્ટર અને કોચ પણ બન્યા હતા. બહુ ઓછા ક્રિકેટર આ પ્રકારની છાપ છોડી છે. આજે વડોદરાને દુખ છે કે તેઓ આપણી વચ્ચે નથી. હું તેમને દાદા કહેતો હતો. 6 - 8 મહિના પહેલા મળ્યા હતા. ત્યારે તેઓ ફીટ હતા. આ વડોદરા ક્રિકેટનો મોટું નુકશાન છે.
તેઓ મિલનસાર હતા
આ તકે વડોદરાના રાજવી પરિવારના રાણી રાધીકા રાજે ગાયકવાડે જણાવ્યું કે, માત્ર વડોદરા જ નહિ આખા દેશ માટે મોટો આઘાત છે. મારા તેમના જોડે સારા મેમરીઝ છે. મારા લગ્ન બાદ અવાર-નવાર મળવાનું થતું હતું. તેઓ મિલનસાર હતા. તેમની જોડે પારિવારિક સંબંધ હતો. આ કપરા સમયે તેમને શાંતિ અને તેમના પરિવારને સપોર્ટ મળે તે માટે પ્રાર્થના કરૂં છું.
આ પણ વાંચો -- VADODARA : સાંસદ-ધારાસભ્યો PM મોદી અને ગૃહમંત્રીને મળ્યા, જાણો કઇ માંગ મુકી