VADODARA : જિલ્લામાં ધોરણ 10-12 ના 68,500 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
VADODARA : આગામી તા. ૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં બેસનારા છાત્રો શાંતિ અને આત્મવિશ્વાસથી આપી શકે એવી વ્યવસ્થા કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ શિક્ષણાધિકારીને સૂચના આપી છે. પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી તૈયારીની વિગતો મેળવી જરૂરી સૂચનો કલેક્ટરએ કર્યા હતા. (VADODARA DISTRICT BOARD EXAM PREPARATION - 2025)
સેન્ટ્રલ જેલમાંથી ૧૦ અંતેવાસી પરીક્ષા આપવાના છે
જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ ઉક્ત બેઠકમાં એવી વિગતો રજૂ કરી હતી કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૬૮૫૦૮ છાત્રો પરીક્ષામાં બેસશે. જેમાં ધોરણ ૧૦ માટે ૧૫૩ પરીક્ષા સ્થળોના ૧૫૨૨ બ્લોકમાં ૪૩૮૭૩ છાત્રો પરીક્ષા આપશે. ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં ૬૨ પરીક્ષા સ્થળોના ૫૬૮ બ્લોકમાં ૧૮૧૨૮ છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૭ પરીક્ષા સ્થળોના ૩૩૪ બ્લોકમાં ૬૫૦૭ મળી એચસીસીમાં કુલ ૨૪૬૩૫ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાંથી ૧૦ અંતેવાસી પરીક્ષા આપવાના છે.
રિક્ષા એસોસિએશનને છાત્રોને મદદ કરવાની તૈયારી દર્શાવી
વિશેષ વાત તો એ છે કે, આ વખતે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રિક્ષા એસોસિએશન સાથે બેઠક કરી છાત્રને પરીક્ષા સ્થળે પહોંચવાની સમસ્યા હોય તેવા સમયે મદદ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સહયોગ આપી રિક્ષા એસોસિએશનને છાત્રોને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. વડોદરામાં આ વખતે આંખથી સો ટકા દિવ્યાંગ હોય એવા ત્રણ છાત્રો લેપટોપ સાથે પરીક્ષા આપવાના છે. આ માટે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લહિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે નિયમોનુસાર આપવામાં આવશે.
કેન્દ્રો આસપાસ ઝેરોક્સ, એકત્ર થવા સહિતની બાબતો અંગે પ્રતિબંધ
આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સેલિંગ સેલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેના માટે તજજ્ઞ આચાર્યો અને શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો આસપાસ ઝેરોક્સ, એકત્ર થવા સહિતની બાબતો અંગે પ્રતિબંધનાત્મક આદેશો પણ જારી કરવામાં આવશે. કલેક્ટર ડો. ધામેલિયાએ પરીક્ષા ખંડમાં સીસીટીવીની સુવિધા, વીજળી, પીવાના પાણીની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ પણ વાંચો --- VADODARA : પૂરના નુકશાન અંગે વિપક્ષ-શાસકના દાવામાં જમીન-આસમાનનો તફાવત