VADODARA : જિલ્લાના 44 ગામો સંપૂર્ણ રીતે ટીબી મુક્ત બન્યા
VADODARA : વિશ્વ ક્ષય દિન નિમિત્તે વડોદરા શહેરના એસ.એસ.જી. મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ અને આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્ષય નિર્મૂલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. (VADODARA DISTRICT 44 VILLAGES ARE TB FREE)
નક્કર પગલાં લેવાય તે જરૂરી
પ્રાસંગિક ઉદ્બોધન કરતા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ જણાવ્યું કે, ક્ષય નિર્મૂલનમાં ગ્રામપંચાયતો અગત્યની ભૂમિકા ભજવી રહી છે. દરેક ગામ ક્ષય મુક્ત થશે તો તાલુકો, જિલ્લો અને દેશ ક્ષય મુક્ત થઈ શકશે. આ ઝુંબેશને વધુ વેગ આપવા માટે સતત હાઈ રિસ્ક ગ્રૂપનું સ્ક્રીનીંગ, સમયાંતરે સારવાર, આરોગ્ય કર્મીની હાજરીમાં દર્દીઓની સારવાર તથા આ રોગ વધુ ન ફેલાય તે માટે નક્કર પગલાં લેવાય તે જરૂરી છે.
આશા કાર્યકરોની મહત્વપૂર્ણ કડીરૂપ ભૂમિકા
વધુમાં કલેકટરએ જિલ્લાની આશાકાર્યકારોને બિરદાવતા જણાવ્યું કે ક્ષય નિર્મૂલન માટે જિલ્લામાં આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહ્યું જેમાં પાયારૂપ એવા આશા કાર્યકરોની મહત્વપૂર્ણ કડીરૂપ ભૂમિકા રહી છે. આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. વિપુલ ત્રિવેદીએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં ક્ષય નિર્મૂલન માટે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. આ વર્ષે જિલ્લાની કુલ ૪૪ ગ્રામપંચાયતોએ ક્ષય નિર્મૂલનના ૬ સૂચકો મુજબ સંપૂર્ણ રીતે ક્ષયમુકત ગ્રામપંચાયતો બની છે.
નિક્ષય મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા
કાર્યક્રમમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત સાવલી તાલુકાની મોતીપુરા અને કરજણ તાલુકાના દેરોલ ગ્રામ પંચાયતને ક્રમશઃ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ સહિત પ્રશસ્તિ પત્રથી તથા નિક્ષય મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ક્ષય ગ્રસ્ત દર્દીઓને પોષણ કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશા કાર્યકરો દ્વારા સ્વાગત ગીત, બ્રેસ્ટ ફીડિંગ, માતૃ મરણ, પોષણનું મહત્વ સહિત વિવિધ વિષયો પર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
તમામ હાજર રહ્યા
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સુતરીયા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. વિપુલ ત્રિવેદી, ઓ.એન.જી.સી. ના મુખ્ય સંચાલક, તાલુકા આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાની આશા બહેનો ઉપસ્થિત રહી હતી.
આ પણ વાંચો --- VADODARA : દોડકા ગામના રહીશની હ્રદયની બે સર્જરીનો ખર્ચ શૂન્ય થયો