VADODARA : ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી 19 ચોરીની બાઇકો સુધી દોરી ગઇ
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ક કરેલી મોટર સાયકલોને ચોરીને રાજસ્થાન લઇ જઇ મામુલી કિંમતે વેચી દેવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. આ મામલાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન જઇને 19 જેટલી ચોરીની મોટર સાયકલો જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલા મોટર સાયકલોની કિંમત રૂ. 5.85 લાખ હોવાનું આંકવામાં આવી રહ્યું છે.
આધાર-પુરાવા કંઇ આપી શક્યા ન્હતા
વડોદરા ક્રાઇણ બ્રાન્ચના PSI તથા તેમની ટીમને બાતમી મળી કે, નિલેશભાઇ કચુભાઇ ડામોર (રહે. બિલીપાડાસ-બેલીપરા, બાંસવાડા, રાજસ્થાન) (હાલ રહે. હિરાબા નગર, બાપોદ, વડોદરા) અને ઇશ્વરલાલ રામચંદ્ર કટારા (રહે, લોહારીયાબડા, કુશલગઢ, રાજસ્થાન) બંનેને અજબડી મીલ રોડ વિસ્તારમાંથી બે શંકાસ્પદ મોટર સાયકલ પડડી પાડવામાં આવ્યા હતા. મોટર સાયકલ અંગેના આધાર-પુરાવા માંગતા તેઓ કંઇ આપી શક્યા ન્હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોળ ગોળ ફેરવતા તેમના પર શંકા ગઇ હતી. બાદમાં બંનેની સઘન પુછપરછ કરતા મોટર સાયકલ ચોરીની હોવાનું જણાવ્યું હતું.
રાજસ્થાન લઇ જઇ મામુલી કિંમતે વેચતા
ત્યાર બાદ કડકાઇ પૂર્વક પુછપરછ કરતા બંને દ્વારા વિતેલા દોઢ વર્ષમાં વડોદરા શહેરને અડીને આવેલા હાઇવે રોડ, હાઇવે પરની ચોકડીઓ તેમજ જાંબુઆ, કપુરાઇ, ગોલ્ડન, વાઘોડિયા, વરણામા, એલ એન્ટ ડી સર્કલ, ગુરૂકુળ, માણેકપાર્ક, ખોડિયાર નગર, હરણી એરપોર્ટ પાસેના ચાર રસ્તા પર નાગરીકો દ્વારા પાર્ક કરવામાં આવેલી મોટર સાયકલોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ચોરેલી મોટર સાયકલો રાજસ્થાન લઇ જઇને તેને મામુલી કિંમતે વેચી દેવામાં આવી હતી.
19 મોટર સાયકલો કબ્જે કરવામાં આવી
જે બાદ મામલાની વધુ તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાન ગઇ હતી. અને ચોરી કરીને રાજસ્થાન લઇ જવામાં આવેલી જુદા જુદા પ્રકારની મળીને 19 મોટર સાયકલો કબ્જે કરવામાં આવી હતી. આ કબ્જે કરેલી મોટર સાયકલો અંગે ખરાઇ કરવા જતા વડોદરા શહેરના મકરપુરા, કપુરાઇ, બાપોદ, હરણી, પાણીગેટ, વારસીયા, કારેલીબાગ પોલીસ મથક તેમજ હાલોલ પોલીસ મથકમાં વાહનચોરીની ગુનાઓ નોંધાયા હોવાનું જણાઇ આવ્યું હતું. આ મામલે તમામ પોલીસ મથકોને જાણ કરીને આગળની તપાસ સોંપવામાં આવનાર છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે 2 આરોપીઓને દબોચી લેવાની સાથે કુલ. રૂ. 5.85 લાખની 19 બાઇક જપ્ત કરી છે.
આ પણ વાંચો -- VADODARA : પોક્સો કેસના આરોપી સ્વામીના આગોતરા જામીન નામંજૂર