VADODARA : વિવાદીત પોલીસ કર્મીઓ પર બદલીનો કોરડો વીંઝાયો
VADODARA : વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા જવાનો અલગ અલગ કારણોસર વિવાદમાં આવ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા ચાર પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે. તે પૈકી ત્રણની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. (CONTROVERSIAL POLICEMAN TRANSFERRED BY COMMISSIONER - VADODARA)
જમીનની ફાઇલો ક્લીયર કરાવતો હોવાના મજબુત આરોપો
વિવાદમાં આવેલા ચાર પૈકી ત્રણ સામે તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તાજેતરમાં એલઆરડી ભાર્ગવદાન સુરેશદાનનું આઇડી કાર્ડ બુટલેગરની કારમાંથી મળ્યું હતું. સાથે જ જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીનની ફાઇલો ક્લીયર કરાવતો હોવાના મજબુત આરોપો સામે આવતા તેની જુનાગઢ બદલી કરી દેવામાં આવી છે. જ્યારે કોન્સ્ટેબલ પંકજ ધર્મરાજસિંહને બોટાદ બદલી કરીને મુકવામાં આવ્યા છે. બીજી તરફ બુટલેગર ભાવેશ રાજપુતના ભાઇ રૂત્વિકને જુગાર સાથે કોન્સ્ટેબલ રણજિતસિંહ ખુમાનસિંહે દબોચ્યો હતો. પરંતુ તેની સામે કાર્યવાહી કર્યા સિવાય છોડી મુકવાનો આરોપ હતો. જેથી તેઓને પોરબંદલ મોકલી આપવામાં આવ્યા છે. તથા છાણીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિશાલ નાગજીભાઇને કચ્છ-ભૂજ મોકલી દેવામાં આવ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રસાકસીભરી મેચ ચાલી રહી હતી. દરમિયાન વારસીયા પોલીસ મથકમાં પીએસઓ સરકારી કામ માટે અપાયેલા ટેબ્લેટમાં મેચ જોઇ રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. તે બાદ પીએસઓ વિપુલ નાથાભાઇની તાત્કાલિક અસરથી પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : હોળી-ધૂળેટી પર્વમાં નદીઓ-તળાવોમાં ન્હાવા જવા પર પ્રતિબંધ