VADODARA : 150 વર્ષ જૂૂૂના આજવા સરોવરના આધુનિકીકરણ માટે ભાર મૂકતી કેન્દ્રીય ટીમ
VADODARA : વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં પૂરથી થયેલા નુકસાનનો તાગ મેળવવા અને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી એક ખાસ ટીમ આજે આવી પહોંચી હતી. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વડોદરાના વડોદરાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરવા ઉપરાંત આજવા સરોવરની પણ મુલાકાત લીધી હતી.
નુકસાનીનો તાગ મેળવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી
ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમમાં નાણા વિભાગના શ્રી ચિન્મય ગોટમારે, જળ શક્તિ મંત્રાલયના યોકી વિજય, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના એ. વી. સુરેશ બાબુએ સવારે કલેક્ટર કચેરી ખાતે પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કેવા સંજોગોમાં વધુ પાણી આવે છે ?
ઉક્ત બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડોદરાની ભૂગોળીય સ્થિતિ, આજવા સરોવર, દેવ ડેમ અને પ્રતાપ સરોવરના જળસ્ત્રાવ વિસ્તાર ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદ, આજવા સરોવરની જળ સંગ્રહ શક્તિની સ્થિતિની વિગતો આપી હતી. વિશ્વામિત્રી નદીમાં કેવા સંજોગોમાં વધુ પાણી આવે છે ? ઢાઢર નદી, આજવા સરોવર કેવી રીતે અસર કરે છે, તેની હકીકતલક્ષી વિગતો આ બેઠકમાં રાણાએ આપી હતી.
રાહત કાર્યો અંગે પણ વિગતો તેમણે રજૂ કરી
કલેક્ટર બિજલ શાહે આપત્તિના સમયે બચાવની કામગીરી અંગેની સવિસ્તાર વિગતો આપી માનવ સંસાધન, યાંત્રિક સાધનોનું મોબીલાઇઝેશ સહિતની બાબતો વર્ણવી હતી. આપત્તિ બાદ રાહત કાર્યો અંગે પણ વિગતો તેમણે રજૂ કરી હતી.
હાઇફ્લડ લેવલ, ભૌગોલિક સ્થિતિની ચકાસણી કરી
આ બેઠક બાદ કેન્દ્ર સરકારની આ ટીમે વડોદરા શહેરમાં માર્ગો ઉપર પડેલા ભૂવાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સોઇલ, સિવેજની વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવી હતી. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના દાંડિયા બજાર, વુડા સર્કલ સહિતના સ્થળોએ પણ રૂબરૂ મુલાકાત કરી હાઇફ્લડ લેવલ, ભૌગોલિક સ્થિતિની ચકાસણી કરી હતી.
ટીમ આણંદ જવા માટે રવાના થઇ
કેન્દ્ર સરકારના આ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આજવા સરોવરની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેમણે આજવા સરોવરમાંથી પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. અહીં આ ટીમે ૧૫૦ વર્ષ જૂના આજવા સરોવરના આધુનિકીકરણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બાદમાં ટીમ આણંદ જવા માટે રવાના થઇ હતી.
તમામ જોડાયા
આ ટીમ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિયામક હિમાંશુ પરીખ ઉપરાંત પદાધિકારી ડો. શીતલ મિસ્ત્રી, અગ્રણી ડો. વિજય શાહ પણ જોડાયા હતા.
આ પણ વાંચો -- VADODARA : સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે ગાળિયો કસતી વડોદરા ACB