VADODARA : ભાજપના કાર્યકર્તાથી લોકોનું દુ:ખ જોવાતું નથી, સત્તાધીશો સામે ઉઠાવ્યા સવાલ
VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતી બાદ લોકોમાં સત્તાધીશો સામે રોષ છે. જે અવાર નવાર સામે આવતો રહે છે. ત્યારે હવે લોકો બાદ ભાજપના કાર્યકર્તાઓમાં પણ સત્તાધીશો સામેનો રોષ ખુલીનો સામે આવી રહ્યો છે. પૂર પીડિત લોકો તથા શહેરના અન્ય કામો સમયસર ના થતા હોવાના કારણે, અને અનેક રજુઆતો કર્યા બાદ પણ માંગને અવગણવાના કારણે આજે ભાજપનો સક્રિય કાર્યકર આકાશ પટેલએ કારેલીબાગ બ્રિજ નીચે આવેલા કચરામાં બેસીનો પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
કારેલીબાગ બ્રિજ નીચે સફાઇનો મુદ્દો વણઉકેલ્યો
વડોદરામાં પૂરની પરિસ્થિતી બાદ લોકોમાં સત્તાધીશો, ચૂંટાયેલા પ્રતિનિધીઓ તથા હોદ્દેદારો વિરૂદ્ધ રોષ છે. જે અવાર નવાર સામે આવ્યો હોવાની ઘટનાથી વડોદરાવાસીઓ પરિચીત છે. હવે લોકોના કામ ના થતા હોવાના કારણે ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના સત્તાધીશોના વિરૂદ્ધમાં સુર ઉઠાવતા હોવાનું જોવા મળી રહ્યું છે. આજે સવારે અમિગતનગર - કારેલીબાગ બ્રિજ નીચે સફાઇનો મુદ્દો વણઉકેલ્યો રહેવાના કારણે કાર્યકર્તા આકાશ પટેલે જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો છે.
આજે મારે ખુદ વિરોધ કરવા બેસવું પડ્યું છે
આકાશ પટેલે જણાવ્યું કે, આજના સમયે કાર્યકર્તાના કામો જ નથી થતા. મેં અગાઉ રોડ રસ્તા તથા અન્ય કામો ના થવાના કારણે તુટેલા રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ મારા ધ્યાને આવ્યું કે, કારેલીબાગ બ્રિજ નીચેની ગંદકીની સ્થિતી છે. અહિંયાની રેલીંગો કાઢી દેવામાં આવી છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર તથા પાલિકામાં રજુઆત કર્યા બાદ પણ કોઇ ઉકેલ આવતો નથી. જેને લઇને આજે મારે ખુદ વિરોધ કરવા બેસવું પડ્યું છે. વડોદરાવાસીઓની સમસ્યા પીએમઓ સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો પણ મારા દ્વારા કરવામાં આવ્યા છે. જેનું પરિણામ આવનાર સમયમાં જોવા મળશે. આ જગ્યાની સામે જ કોર્પોરેટર છાયાબેન ખરાદીનું ઘર આવેલું છે. તેઓ અહિંયાથી અસંખ્ય વખત પસાર થાય છે.
લોકોએ તમને સાહેબ બનાવ્યા છે
આકાશ પટેલે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું નામ લીધા વગર જણાવ્યું કે, એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં ગાયક ગાય છે કે, સાહેબ તો સાહેબ કહેવાય. મારે તેમને કહેવું છે કે, લોકોએ તમને સાહેબ બનાવ્યા છે. તમે કોઇના ગાવાથી સાહેબ નથી બનતા. વડોદરાના એક જ સાહેબ હતા, ગાયકવાડ પરિવાર અને ત્યાર બાદ વડાપ્રધાન મોદી સાહેબ બનીને ગયા હતા. આજે લોકોનો, ભાજપના કાર્યકર્તાનો કોઇ અવાજ સાંભળતું નથી. હું 12 વર્ષથી વધુથી ભાજપનો સક્રિય સભ્ય છું. જુના કામો સ્ટેન્ડિંગમાં નથી થતા તો નવા કામોનું શું !
આ પણ વાંચો -- VADODARA : શ્રી ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની કિટલીમાં જીવતી ઇયળો ફરતી દેખાઇ