VADODARA : વિદાય લેતા મ્યુનિ. કમિ. પર ભાજપના કોર્પોરેટરનો કટાક્ષ
VADODARA : વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ગતરોજ અંતિમ પ્રેસવાર્તાને સંબોધી હતી. ત્યાર બાદ આજે ભાજપના કોર્પોરેટર આશિષ જોષી દ્વારા કટાક્ષ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેઓ લખે છે કે, કમિશનરનો વિદાય સમારંભ અઘોરા મોલ માટે તોડી પડાયેલા હનુમાનજી મંદિર વાળી જગ્યાએ રાખવાનો હતો અથવા...અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપ રાણા અને આશિષ જોષી વચ્ચે પહેલાથી જ ખટાશભર્યા સંબંધ છે. મહાનગર નાળુ સાફ કરવા મુદ્દે બંને વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી. (BJP CORPORATOR CRITICISE MUNICIPAL COMMISSIONER FAREWELL BY SOCIAL MEDIA POST - VADODARA)
ટૂંક સમયમાં તેઓ વિદાય લેશે
બે વર્ષ જવાબદારી સોંપ્યા બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણીની બદલી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગમાં કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ મહેશ બાબુને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગતરોજ પાલિકાની કચેરીએ દિલીપ રાણાએ અંતિમ પ્રેસવાર્તાને સંબોધી હતી.જે બાદ ટૂંક સમયમાં તેઓ વિદાય લેશે તેમ માનવામાં આવી રહ્યું છે. તે બાદ આજે સવારે ભાજપના વોર્ડ નં - 15 ના કોર્પોરેટર આશિષ જોષી દ્વારા કટાક્ષ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે.
પાલિકા કમિશનરે આડકતરી રીતે સંભળાવી દીધું
આશિષ જોષી લખે છે કે, આ શહેરના કોન્ટ્રાક્ટરો અને બાહોશ અધિકારીઓએ કમિશનરનો વિદાય સમારંભ આજે હનુમાન જયંતિ એ અઘોરા મોલ માટે તોડી પડાયેલા હનુમાનજીના મંદિર વાળી જગ્યાએ રાખવાનો હતો અથવા હરણી લેકઝોન અથવા મહાનગર નાળા પર. આ લખીને આશિષ જોષીએ વધુ એક વખત પાલિકા કમિશનરે આડકતરી રીતે સંભળાવી દીધું છે.
બંને વચ્ચે સંબંધોમાં ખટાશ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકા કમિશનર દિલીપ રાણા અને કોર્પોરેટર આશિષ જોષી વચ્ચે મહાનગર નાળું સાફ કરાવવા મુદ્દે ભારે ચડભડ થઇ હતી. તે બાદ ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. ત્યારથી બંને વચ્ચે સંબંધોમાં ખટાશ છે. જે આજે પણ યથાવત હોવાનું તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી લાગી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ભૂખી કાંસની બેઠકમાં ચેરમેને ટોણો મારતા કોંગી કોર્પોરેટરનો પિત્તો ગયો