VADODARA : પૂરગ્રસ્ત લોકોના જખમ પર મીઠું ભભરાવતા કોર્પોરેટર, કહ્યું, "જોયા વગર મકાન લીધા !"
VADODARA : વડોદરા (VADODARA) અને શહેરવાસીઓ ઐતિહાસીક પૂર (FLOOD - 2024) માંથી પસાર થઇને બહાર આવતા નાગરિકોના જખમ પર ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા મીઠું ભભરાવવામાં આવ્યું હોય તેવો સંવાદ હાલ સામે આવી રહ્યો છે. જેમાં નાવડીમાં બેઠેલા વોર્ડ નં - 12 ના ભાજપના કોર્પોરેટર ટ્વીંકલ ત્રિવેદી લોકોને કહી સંભળાવે છે કે, મારાથી એવું ના બોલાય પણ, તમે જોયા વગર (મકાન) લીધા. સામે લોકો કહે છે કે, મંજુરી મળી હતી એટલે મકાનો લીધા છે. પૂર સમયે વધુ લોકોની મદદે પહોંચવાના પ્રયાસો કરવાની જગ્યાએ ભાજપના કોર્પોરેટર લોકો જોડે સલાહ સુચનમાં વધારે સમય આપતા હોવાનું આ વીડિયો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.
સવાલને જ વાળી દેવાનો પ્રયત્ન કર્યો
વડોદરા ઐતિહાસીક પૂરનુ સાક્ષી બન્યું હતું. જે વિસ્તારોમાં ક્યારે વરસાદી પાણી ઘૂસ્યા ન હતા, ત્યાં તરબોળ થવાની સ્થિતી સર્જાઇ હતી. તેવામાં ભાજપના ધારાસભ્યો-કોર્પોરેટર લોકોની આશા-અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી, તેવું સૌ કોઇ કહી રહ્યા છે. ત્યારે ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા પૂર પીડિત લોકોના જખમ પર મીઠું ભભરાવતા હોય તેમ તેમને જોયા વગર મકાન લીધા હોવાની સલાહ આપી રહ્યા હોવાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. આ વીડિયોમાં નાવડીમાં બેસીને લોકોની વચ્ચે પહોંચેલા ભાજપના કોર્પોરટર ટ્વીંકલ ત્રિવેદીને લોકો વિસ્તારની જે તે સમયની સમસ્યા વર્ણવી રહ્યા છે. જેનો તેમની પાસે કોઇ નક્કર ઉત્તર ન મળતા તેમણે સવાલને જ વાળી દેવાનો પ્રયત્ન કર્યો હોવાનું અનુમાન છે.
સંવાદનો વીડિયો બીલના મઢી વિસ્તારનો
જો કે, લોકો પણ કોર્પોરેટરની ચાલાકી સમજી જતા તેમણે પણ વળતો જવાબ આપતા કહ્યું કે, જે તે સમયે પરમિશન આપી એટલે મકાનો ખરીદ્યા છે. પરમિશન કેમ આપી ! વર્ષ 2014 માં ટીપીમાં સમાવેશ કરાશે તેમ બતાવાયું હતું, એટલે મકાન ખરીદ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ સંવાદનો વીડિયો બીલના મઢી વિસ્તારનો છે. મઢીમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ મોડે મોડે કોર્પોરેટર દેખાતા તેમણે મન ખોલીને તમામ ફરિયાદો કરી હતી. જો કે, લોકોની સમસ્યા હળવી કરવાની જગ્યાએ કોર્પોરેટર દ્વારા તેમના જખમ પર મીઠું ભભરાવતા હોય તેવા સામા સવાલો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : અતિવૃષ્ટિ અને જળપ્રલયથી બચાવવા ભગવાન શિવજીને પ્રાર્થના