VADODARA : ભાજપના કોર્પોરેટરનો બળાપો, 'કમિશનર ના ગણકારતા હોય તો...'
VADODARA : વડોદરાની ટીમ VMC વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભાંજગડ ચાલી રહી છે. તાજેતરમાં વહીવટી વોર્ડ નં - 15 ના ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ ડભોઇના મહાનગર નાળાની સફાઇને લઇને મ્યુનિસિપલ કમિશનરને આડાહાથે લીધા હતા. જે બાદ તેમને શહેર ભાજપ પ્રમુખ દ્વારા ગેરશિસ્ત મામલે નોટીસ ફટકારવામાં આવી છે. તે બાદ ગતરોજ મેયર પિન્કીબેન સોનીએ પણ મ્યુનિસિપલ કમિશનર વિરૂદ્ધમાં મોરચો ખોલ્યો હતો. જે બાદ આજે આશિષ જોષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ મુકી છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો વડોદરા શહેર ના પ્રથમ નાગરિક ને જ કમિશનર ના ગણકારતા હોય તો આશિષ જોશી તો એક સામાન્ય કોર્પોરેટર છે ! સમજાય તેને વંદન. (BJP CORPORATOR AASHISH JOSHI SOCIAL MEDIA POST CREATED BUZZ AROUND CITY - VADODARA).
વિશ્વામિત્રી નદીના કામની અપડેટ્સ જાણવા જતા ઉડાઉ જવાબ આપ્યો
વડોદરા પાલિકામાં ચૂંટાયેલી પાંખ અને વહીવહી પાંખના વડા વચ્ચે માથાકુટ ચાલી રહી છે. પહેલા ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ ડભોઇના મહાનગર નાળાની સફાઇ અંગે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્રતાથી રજુઆત કરતા તેમનો પિત્તો ગયો હતો. અને બંને વચ્ચે પાલિકાની ચાલુ સભાએ બોલવાનું થઇ ગયું હતું. તે બાદ મેયર દ્વારા મંગલપાંડે બ્રિજ નીચે થતી વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરવા જવાનું તમામને જણાવવામાં આવ્યું હતું. પરંતુ તે સ્થળે મેયર પહોંચે તે પહેલા જ મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના ચેરમેન પહોંચી ગયા હતા. અને મેયરના આવતા પહેલા તેઓ રવાના થઇ ગયા હતા. આ તકે સ્થાનિક કોર્પોરેટરોને પણ વહેલા આવવાની તાકીદ કરવામાં આવી હતી. જેને પગલે તેઓ નારાજ થયા હતા. ત્યાર બાદ મેયરે મ્યુનિસિપલ કમિશનર જોડે વિશ્વામિત્રી નદીના કામની અપડેટ્સ જાણવા જતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો તેમનો આરોપ છે. આ ઘટના બાદ તેઓ ગતરોજ ખુલીને મીડિયા સમક્ષ આવ્યા હતા. અને તેમની જોડે થતા ઓરમાયા વર્તન અંગેની ચર્ચા કરી હતી.
આશિષ જોશી તો એક સામાન્ય કોર્પોરેટર છે !
આ ઘટના બાદ આજે ભાજપના કોર્પોરેટર આશિષ જોષીની એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો વડોદરા શહેર ના પ્રથમ નાગરિક ને જ કમિશનર ના ગણકારતા હોય તો આશિષ જોશી તો એક સામાન્ય કોર્પોરેટર છે ! સમજાય તેને વંદન. આમ, પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની રડારમાં મ્યુનિસિપલ કમિશનર આવી રહ્યા છે. જો કે, આ અંગેનું સ્પષ્ટ કારણ હજી સુધી સામે આવ્યું નથી. હાલ પાલિકાની મોટાભાગની મશીનરી વિશ્વામિત્રી નદી પર મીશન 100 દિવસ માટે પુરજોશમાં કામે લાગી છે.
આ પણ વાંચો --- VADODARA : વિબગ્યોર સ્કુલમાં ફી વધારા સામે ABVP મેદાને પડ્યું