VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં પીડિતાએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું
VADODARA : નવરાત્રી (NAVRATRI) ના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તાર (BHAYLI GANG RAPE) માં ત્રણ નરાધમોએ સગીરા પર ગેંગ રેપ આચર્યું હતું. નરાધમોના કૃત્યને લઇને સંસ્કારી નગરી લજવાઇ હતી. ઘટના બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને 48 કલાકમાં જ દબોચી લીધા હતા. તાજેતરમાં ગેંગ રેપનો ભોગ બનનાર પીડિતા અને તેના મિત્રએ મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આગામી સપ્તાહમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે. તથા આજે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા વધઉ રિમાન્ડની માંગણી કરવાની તૈયારીઓ એસઆઇટી તથા ગ્રામ્ય પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને શહેરમાંથી જ દબોચી લેવામાં આવ્યા હતા
નવરાત્રીના બીજા નોરતે ગરબા રમવા ગયેલી સગીરા તેના મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં બેઠી હતી. દરમિયાન બે બાઇક પર પાંચ લોકોએ ત્યાં આવીને તેમની જોડે મગજમારી શરૂ કરી હતી. તે બાદ એક બાઇક પર સવાલ બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે બાકીના ત્રણ ત્યાં ઉભા રહ્યા હતા. અને તેમણે બદસલુકી શરૂ કરી હતી. બાદમાં ત્રણેયે સગીરા પર ગેંગ રેપ આચર્યું હતું. ઘટના બાદ ત્રણેય પીડિતાનો મોબાઇલ લઇને ત્યાંથી નાસી છુટ્યા હતા. મામલો વડોદરા ગ્રામ્ય પોલીસ મથક પહોંચતા મળસ્કે ગુનો નોંધવાની સાથે આ મામલાની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. ગુનાને 48 કલાક વિતતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને શહેરમાંથી જ દબોચી લેવામાં આવ્યા હતા. અને કોર્ટમાં રજુ કરીને તેઓના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
કપડાં અને સ્પોર્ટસ બાઇક કબ્જે કરવામાં આવી
ગતરોજ પીડિતા અને તેના મિત્રએ મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તો બીજી તરપ પોલીસે પીડિતાનો મોબાઇલ શોધવા માટે વડસર બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં અંડર વોટર કેમેરાથી શોધખોળ કરી હતી. જો કે, તેમાં નિષ્ફળતા મળી હતી. મળસ્કે પોલીસ દ્વારા આરોપીઓના ઘરે તપાસ કરીને કપડાં અને સ્પોર્ટસ બાઇક કબ્જે કરવામાં આવી હતી. આમ, એક સપ્તાહમાં આ મામલાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવા માટેની દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
વધુ રિમાન્ડ માંગવા માટેનું હોમવર્ક પુરૂ કરી દેવામાં આવ્યું
આજરોજ આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થાય છે. જેથી પોલીસ દ્વારા તેમના વધુ રિમાન્ડ માંગવા માટેનું હોમવર્ક પુરૂ કરી દેવામાં આવ્યું છે. કોર્ટમાં રજુ કરીને તમામના રિમાન્ડ માંગવા પોલીસે કમર કસી છે.
આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપના આરોપીઓના મકાન તોડવા માટે BJP નેતા મક્કમ, કોંગી આગેવાનનો વિરોધ