VADODARA : ગેંગ રેપના આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરશે બુલડોઝર, 72 કલાક બાદ એક્શન
VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં ગેંગ રેપ (BHAYLI GANG RAPE) ની ઘટના સામે આવી હતી. આ મામલે 48 કલાકમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે આરોપીઓ ગેરકાયદેસર વસાહતમાં રહેતા હોવાથી પાલિકા દ્વારા 72 કલાકમાં જવાબ રજુ કરવાની નોટીસ પાઠવવામાં આવી છે. જે બાદ પાલિકાનું બુલડોઝર તેમના મકાનોનો સફાયો કરી દેશે, તેવી તૈયારી તંત્રએ કરી છે. આમ, વડોદરામાં જઘન્ય અપરાધને અંજામ આપનારાઓને તમામ રીતે તોડી પાડવા માટે સરકાર અને તંત્ર કટિબદ્ધ બન્યું છે.
ગેરકાયદેસર મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું
નવરાત્રીના બીજા નોરતે સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી ગેંગ રેપની ઘટના ભાયલીમાં બની હતી. જેમાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા ત્રણ આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પૈકી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા એકતાનગર વસાહત ખાતે ઉભા કરાયેલા ગેરકાયદેસર મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું. હવે વડોદરાનું તંત્ર ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવાની તૈયારીઓમાં હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા આરોપીઓના ગેરકાયદેસર ઠેકાણાઓ તોડીને તેમના મનસુબા પર આકરો પ્રહાર કરવામાં આવે છે.
મકાનો પર બુલડોઝર ફેરવશે, તે નક્કી છે
વડોદપરા પાલિકા દ્વારા એકતાનગર ખાતે બંને આરોપીઓના ગેરકાયદેસર મકાનો દુર કરવા માટેની નોટીસ ત્યાં ચોંટાડવામાં આવી છે. અને ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. તે બાદ પાલિકાનું તંત્ર તેમના મકાનો પર બુલડોઝર ફેરવશે, તે નક્કી છે. આ મામલાનો ત્રીજો આરોપી શાહરૂખ બનજારા તાંદલજા વિસ્તારમાં આવેલા રોયલ વુડાના મકાનમાં રહે છે. તેને આ મકાન કેવી રીતે મળ્યું, અને હાલ તે ભાડેથી રહે છે કે કેમ તે અંગેની માહિતી એકત્ર કરવા માટે પાલિકાની ટીમ આજે સ્થળ મુલાકાત કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો -- Surat : રાતે મિત્ર સાથે ઊભી હતી સગીરા! ત્રણ નરાધમ આવ્યા અને મિત્રને ઢોર માર મારી..!